ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગુજરાતની 2016ની બેચના IPS અને ગુજરાત હાઉસિંગ બોર્ડના ડેપ્યુટી ડાયરેક્ટર રવીન્દ્ર પટેલને ત્યાં SEBI (સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા)એ 20 માર્ચે રેડ કરી હતી.

એક વિશેષ ટીમ દ્વારા સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં આવેલા રોધરા ગામે IPS અધિકારીના ઘરે તપાસ હાથ ધરવામાં આવી હતી. આ સાથે ગલોડિયા ગામમાં રહેતા IPSના સાળાની પણ કેન્દ્રીય ટીમો દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. દિવસભર ચાલેલી કાર્યવાહીના કારણે આ ઘટના સમગ્ર પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બની હતી.
શેરના ભાવોમાં કૃત્રિમ ઉછાળા પ્રકરણમાં આઇપીએસ હોવાની વાતો ફેલાતાં ચોતરફ ભારે ચકચાર મચવાની સાથોસાથ આશ્ચર્ય પણ ફેલાયું હતું. SEBIએ ફટકારેલી નોટિસમાં રવીન્દ્ર ડાહ્યાભાઇ પટેલે 1.90 કરોડ અને 72.80 લાખની પેનલ્ટી ભરવાની સાથોસાથ છ મહિના સુધી સાધના બ્રોડકાસ્ટ કંપનીના શેરોની લેવડદેવડ નહીં કરવાની બાંહેધરી આપતાં સમાધાન કર્યું હોવાની હકીકત પ્રકાશમાં આવી છે.
જો કે સેબીની નોટિસમાં રવીન્દ્ર ડાહ્યાભાઇ પટેલ આઇપીએસ હોવાની વાતનો ક્યાંય કોઇ ઉલ્લેખ નથી. પણ SEBIએ આઇપીએસ રવીન્દ્ર ડાહ્યાભાઇ પટેલ તથા તેમના સગાંને ત્યાં 20 માર્ચની સવારથી જ તપાસ હાથ ધરી હોવાના કારણે SEBI સાથે જેમનું સમાધાન થયેલ છે તે આઇપીએસ રવીન્દ્ર પટેલ જ હોવાની વાતે જોર પકડયું હતું. એટલું જ નહીં પરંતુ SEBI સાથે બીજી કોઇ એજન્સીએ પણ તપાસમાં ઝંપલાવ્યું હોવાની વાતો વહેતી થઇ છે. પરંતુ કોઇ એજન્સીએ સત્તાવાર સમર્થન જાહેર કર્યું નથી. બીજી તરફ SEBIના 27 ફ્રેબ્રુઆરી, 2025ના સેટલમેન્ટ ઓર્ડરમાં સેબી અને રવીન્દ્ર પટેલ વચ્ચે સમાધાન થઇ ગયું હોય તો પછી કયા કારણોસર સેબીએ આઇપીએસ રવીન્દ્ર પટેલને ત્યાં તપાસ હાથ ધરી છે તે વિષય ચર્ચાનો બન્યો છે.