ગાંધીધામ ટુડે, ન્યૂઝ :કચ્છની અગ્રણી વેપાર સંસ્થા ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ, સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક (SIDBI) અને CA એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે એક મહત્વપૂર્ણ સેમિનાર યોજાયો હતો. આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ્ય લઘુ ઉદ્યોગકારો અને નવા ઉદ્યોગસાહસિકોને વિવિધ સરકારી યોજનાઓ અને સબસિડીઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવાનો હતો.

ગાંધીધામ ચેમ્બરના પ્રમુખ મહેશ પૂજએ જણાવ્યું હતું કે MSME સેક્ટર દેશના ઉદ્યોગજગતની કરોડરજ્જુ છે. દેશના વિકાસ અને અર્થતંત્રને પાંચ ટ્રિલિયન ડોલર સુધી પહોંચાડવામાં આ ક્ષેત્રની ભૂમિકા અત્યંત મહત્વની છે. તેમણે ઉમેર્યું કે SIDBI દ્વારા વ્યાજબી વ્યાજદરે લોન આપવાથી ઉદ્યોગોની નાણાકીય ક્ષમતામાં વધારો થશે, જે ઉદ્યોગોના વિકાસ માટે જરૂરી છે.
SIDBIના રાજકોટ રિજનલ જનરલ મેનેજર ઋષિ પાંડેએ જણાવ્યું કે, SIDBIનો મુખ્ય ઉદ્દેશ્ય MSME ઉદ્યોગોની મૂડી જરૂરિયાતો અને ક્ષમતા નિર્માણને સરળ બનાવવાનો છે. તેમણે ગાંધીધામને પોર્ટ સિટી અને આયાત-નિકાસનું ગેટ-વે ગણાવીને કહ્યું કે અહીં ઉદ્યોગસાહસિકો માટે વિકાસની અનેક તકો છે, અને SIDBI તેમને ધિરાણ તેમજ અન્ય સહાય પૂરી પાડવા તૈયાર છે.
આ કાર્યક્રમમાં SIDBIના રોહિત પ્રસાદે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા વિવિધ લોન યોજનાઓ વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે સૂક્ષ્મ ઉદ્યોગો માટે ₹2.5 થી ₹10 કરોડ, નાના ઉદ્યોગો માટે ₹25 થી ₹100 કરોડ અને મધ્યમ ઉદ્યોગો માટે ₹100 થી ₹500 કરોડ સુધીની લોન મળી શકે છે. તેમણે SIDBIની દસેક જેટલી વિવિધ યોજનાઓની વિગતવાર માહિતી આપી હતી.
CA વિરાજ આચાર્યએ SIDBIની યોજનાઓ અંતર્ગત આવશ્યક દસ્તાવેજો અને શરતો વિશે માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં ચિન્મય ધોળકિયા, મહેશ લિંબાણી, તેજા કાનગડ, મહેશ તિર્થાણી સહિત મોટી સંખ્યામાં ઉદ્યોગકારો, વેપારીઓ, મહિલાઓ, યુવા ઉદ્યોગસાહસિકો અને CAના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન SIDBIના અસીમ વૈદ્યએ કર્યું હતું. આ સેમિનારથી MSME ક્ષેત્રને નવી દિશા અને પ્રોત્સાહન મળવાની આશા છે.