ગાંધીધામ ટુડે, ન્યૂઝ : માંડવી તાલુકાના પીપરી ગામમાં SMC (સ્ટેટ મોનિટરિંગ સેલ) દ્વારા એક ખુલ્લા ખેતરમાં ચાલી રહેલા મોટા જુગારધામનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસે જખુ હાજાભાઈ સંઘારના ખેતર પાસે ચાલતા આ જુગાર પર દરોડો પાડી 6 શખ્સોને ઝડપી પાડ્યા છે, જ્યારે મુખ્ય સૂત્રધાર સહિત 11 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે.
ઝડપાયેલા આરોપીઓ અને જપ્ત મુદ્દામાલ
પોલીસે ઘટનાસ્થળેથી ધવલ અનિલભાઈ રાજગોર (ભુજ), ધીરેન હીરાજી સંઘાર (પીપરી), કિશોર વાલાજી સંઘાર (બિદડા), લીલાધરભાઈ બેચરભાઈ સંતોકી (મોરબી), જગદીશ મેઘાજી મોતીવરસ (માંડવી) અને ધવલ શંભુભાઈ મંગે (માંડવી) ને ઝડપી લીધા હતા.
દરોડા દરમિયાન પોલીસે કુલ ₹2,40,350 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં રોકડ: ₹44,500, 6 મોબાઈલ ફોન: ₹95,000, વાહનો: ₹1,00,000 અને અન્ય વસ્તુઓ સામેલ છે.
ફરાર આરોપીઓ
આ દરોડામાં મુખ્ય આરોપી અશોક કેસરભાઈ સંઘાર સહિત 11 આરોપીઓ ફરાર થવામાં સફળ રહ્યા છે. ફરાર થયેલા અન્ય આરોપીઓમાં હિરેન આશિષભાઈ સંઘાર, હિરેન ઉર્ફે પિન્ટુ શાંતિલાલ રાજગોર, પૂજન ગીરીશભાઈ રાજગોર, જાવેદ હિંગોરજા, સાજીદ હિંગોરજા, રામજી ઉર્ફે રામો હીરાલાલ સંઘાર, મહાદેવ શિવજીભાઈ સંઘાર, જખુભાઈ હાજાભાઈ સંઘાર, અનીયો બાપુ અને એક હોન્ડા એક્ટિવાના માલિક નો સમાવેશ થાય છે.
કોડાય પોલીસે આ મામલે જુગાર નિવારણ અધિનિયમની કલમ-12 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
પશ્ચિમ કચ્છમાં SMCનો સપાટો: દારૂ અને સટ્ટાખોરી પર તવાઈ !
ગાંધીધામ ટુડે, ન્યૂઝ : SMC દ્વારા પશ્ચિમ કચ્છમાં અગાઉ પણ દારૂ અને સટ્ટાખોરીના મોટા રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. SMCની આ કડક કાર્યવાહી સ્થાનિક પોલીસની કામગીરી પર પ્રશ્નાર્થ ઊભા કરી રહી છે.
મોટા દારૂના જથ્થા ઝડપાયા:
SMC દ્વારા પશ્ચિમ કચ્છમાં લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.
જેમાં ભુજ તાલુકાના કેરા ગામે જડેશ્વર મંદિર નજીક ખુલ્લા ચોગાનમાં ₹1.28 કરોડથી વધુનો દારૂ ઝડપાયો હતો. આ દરોડામાં ₹1.70 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો અને 22 લોકો સામે FIR નોંધવામાં આવી હતી. આ ઉપરાંત, માંડવીના ત્રગડી ગામે પણ ₹83.78 લાખનો દારૂ ઝડપીને 16 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી. SMCએ 54 દિવસના ટૂંકા ગાળામાં પશ્ચિમ કચ્છમાં 4 મોટી રેઇડ કરી, જેમાંથી બે દારૂના અને બે સટ્ટાના કેસ હતા.
ઓનલાઈન સટ્ટાખોરીનો પર્દાફાશ:
દારૂની સાથે, SMCએ ઓનલાઈન સટ્ટાખોરીના રેકેટનો પણ પર્દાફાશ કર્યો છે.
ભુજમાં એક બુકીને ચાલતી કારમાંથી ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમાડતા ઝડપી લેવામાં આવ્યો હતો. આ બુકી પાસેથી ₹13.64 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો અને 17 સટોડિયાઓના નામ ખુલ્યા હતા. આ બુકી પોલીસથી બચવા માટે ચાલતી કારમાં સટ્ટાનું કટિંગ કરતો હતો.SMCની આ સતત કાર્યવાહી દર્શાવે છે કે પશ્ચિમ કચ્છમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ મોટા પાયે ચાલી રહી છે, અને રાજ્ય સ્તરની ટીમોને તેમાં હસ્તક્ષેપ કરવો પડી રહ્યો છે. આ દરોડા બાદ સ્થાનિક પોલીસ અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે, જે તેમની બેદરકારી સૂચવે છે.