ગાંધીધામ ટુડે, ન્યૂઝ : રહેણાંક મકાનોમાં કોમર્શિયલ ગતિવિધિઓના મામલે એસ.આર.સી. દ્વારા એકસાથે ૬૧ પ્લોટની લીઝ રદ કરી દેવામાં આવી છે અને આશરે ૨૦૦ પ્લોટધારકોને નોટિસો પાઠવીને જવાબ માંગવામાં આવ્યો છે. આ પગલાને પગલે શહેરની ઔદ્યોગિક ગતિવિધિઓમાં ભય અને અસ્થિરતા ફેલાઈ છે.
આ વિષયને લઈને સતત બેઠકો ચાલી રહી છે, અને લોકોમાં ગંભીર ચિંતા જોવા મળી રહી છે. લોકોને મદદરૂપ થવા માટે ગાંધીધામ ચેમ્બરમાં કાનૂની સલાહ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. એક અઠવાડિયાના ગાળાના માટે શરૂ કરાયેલા આ કેન્દ્રમાં રવિવાર સિવાય રોજ સવારે ૧૦થી ૧ અને બપોરે ૩થી ૫ સુધી કાનૂની નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. ઉપરાંત, નોટિસના જવાબ માટે ઉપયોગી ડ્રાફ્ટ પણ તૈયાર કરવામાં આવ્યો છે.
એસ.આર.સી. દ્વારા આપેલ નોટિસ મુજબ, રહીશોને ૧૫ દિવસની અંદર રહેણાંક મકાનમાં વ્યાવસાયિક ગતિવિધિ માટે મંજૂરી લેવાઈ છે કે કેમ તેનો પુરાવો રજૂ કરવાનો છે. જેમાંથી હવે માત્ર એક અઠવાડિયાનો સમય બાકી રહ્યો છે.
શહેરના કેટલાક વિસ્તારોમાં આ નિર્ણયના કારણે ભયનો માહોલ છે. આદિપુરના રામબાગ રોડ પર શો-રૂમ તોડી પડાયા છે, જ્યારે મૈત્રી રોડ પર નાના દુકાનદારો દુકાનો ખાલી કરી રહ્યા છે. આ ઘટનાને પગલે શહેરની અર્થવ્યવસ્થાને ઠપ્પ થવાની ભીતિ સર્જાઈ છે.
વિશેષ નોંધનીય છે કે, મામલાને લઈને સંયુક્ત બેઠક યોજવા માટે પ્રયત્નો ચાલુ છે અને આગામી દિવસોમાં તંત્ર અને પીડિતો વચ્ચે સંવાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.