ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના કોર્ડીનેટર હકુભા જાડેજા દ્વારા ગાંધીધામ મહાનગરપાલિકાના કમિશ્નરને પત્ર લખીને રજુઆત કરવામાં આવી હતી. પત્રમાં જણાવ્યા મુજબ ડીબી ઝેડ સાઉથ વિસ્તાર ઘણા વર્ષોથી પાછલી સરકારના કુશાસનના લીધે પીવાના પાણીમાં ગટર મિશ્રિત પાણી આવે છે. મહાનગરપાલિકા બની તો એક આશા જાગી હતી કે હવે શુદ્ધ પીવાનું પાણી મળશે. મહાનગરપાલિકા જાહેર થયાને પણ ઘણો સમય વીતી ગયો છતા આજ દિવસ સુધી ગટર મિશ્રિત પાણી એકધારુ ચાલુ છે, ઘણા વર્ષો જુની પાણીની લાઈનો હોવાથી અને તંત્રના પાપના લીધે આ જુની લાઈનો ગટરની બાજુમાં નાખેલ હોવાથી વારંવાર લાઈનમાં ભંગાણ થતુ રહે છે જેના લીધે ગટરનું દુષિત પાણી પીવાના પાણીમાં ભળી જાય છે. પીવાના પાણીમાં દુષિત પાણીના લીધે ઘણા વર્ષો પહેલા રોગચાળાના લીધે ઘણા મૃત્યુ પણ થયા છે અને વર્ષોથી પાણીના ફિલ્ટર પ્લાન્ટ બંધ હોવાથી ડાયરેક્ટ ડેમનું પાણી વિતરણના કારણે ડોળુ અને ગંદુ પાણી વિતરણ થઈ રહ્યું છે. તો તાત્કાલિક ધોરણે ફિલ્ટર પ્લાન્ટ ચાલુ કરવામાં આવે અને નવી પાણીની પાઈપ લાઈન નાખવામાં આવેલ હતી તેને તાત્કાલિક ધોરણે ચાલુ કરી તેમાંથી પાણીનું વિતરણ કરવામાં આવે તો જ આ ગટર મિશ્રિત પાણીથી છુટકારો સાઉથ વિસ્તારના લોકોને મળશે તેવું યાદવેન્દ્રસિંહ જાડેજા(હકુભા)ની યાદીમાં જણાવાયુ હતુ.
