ગાંધીધામ ટુડે, ન્યૂઝ : મેઘપર બોરીચીના લીલાશાહ ફાટક પર અંડરબ્રિજ બનાવવાની માંગ સાથે કોંગ્રેસે આંદોલન કર્યું હતું.
સંજય ગાંધીએ જણાવ્યું હતું કે, આંદોલનનો હેતુ સરકારને જગાડવાનો છે, કારણ કે મેઘપર બોરીચીના નાગરિકો લાંબા સમયથી લીલાશાહ ફાટકની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. આદિપુર-ગાંધીધામને જોડતા માર્ગ પર આવેલો આ ફાટક દરરોજ હજારો નાગરિકોની અવરજવરમાં અવરોધરૂપ બની રહ્યો છે.

વધુમાં, દર વર્ષે લીલાશાહ કુટિયામાં યોજાતા કાર્યક્રમોમાં દેશભરમાંથી 20,000 જેટલા લોકો આવે છે, જેમને પણ આ હાલાકીનો સામનો કરવો પડે છે. દરરોજ આ ફાટક પરથી 100 જેટલી ટ્રેનો પસાર થાય છે, જેના કારણે દર 5 થી 10 મિનિટે ફાટક બંધ કરવો પડે છે. 15 વર્ષ વીતી ગયા હોવા છતાં આ સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી. આ ફાટકનું ત્રણ વખત ખાતમુહૂર્ત થઈ ગયું હોવા છતાં કામ શરૂ થયું નથી. કોંગ્રેસે સરકારને તાત્કાલિક આ અંગે પગલાં લેવા અને લોકોની હાલાકી દૂર કરવા અપીલ કરી છે.
તો યાદવેન્દ્રસિંહ (હકુભા) જાડેજાએ જ્યાં સુધી સરકાર આ સમસ્યાનું નિરાકરણ નહીં લાવે ત્યાં સુધી દર મહિને આવા આંદોલનો કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.