ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની વુમેન્સ વિંગ દ્વારા આયોજિત “ટેક ક્રંચ” સેમિનારમાં ઉદ્યોગ અને સ્ટાર્ટઅપ્સમાં ટેકનોલોજીના મહત્ત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો. “ઇનોવેશનથી ઇકોનોમી સુધી: ટેક ક્રંચ સેમિનારમાં સ્ટાર્ટઅપને નવું ભવિષ્ય મળ્યું” થીમ પર આધારિત આ સેમિનાર ગાંધીધામ ચેમ્બર ભવન ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં જીતો મહિલા વિંગ, ઇનર વ્હીલ ક્લબ ઓફ ગાંધીધામ અને મારવાડી યુવા મંચ જાગૃતિ શાખાનો સહયોગ રહ્યો હતો.
સેમિનારનો મુખ્ય ઉદ્દેશ્ય ટેકનોલોજી અને સ્ટાર્ટઅપ્સના ભવિષ્યની શોધખોળ કરવાનો હતો. કાર્યક્રમની શરૂઆતમાં કન્વીનર રાખી હાટાએ શાબ્દિક સ્વાગત કર્યું હતું અને મુખ્ય વક્તા સીએ રોનક સિંઘવીનો પરિચય આપ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વુમેન્સ વિંગની કો-કન્વીનર મમતા આહુજાએ કર્યું હતું.

મુખ્ય વક્તા સીએ રોનક સિંઘવી, જેઓ રાજસ્થાન સરકાર સાથે છેલ્લા ૧૨ વર્ષથી એક્સપર્ટ ફાઉન્ડર અને ઇનોવેટિવ સ્ટાર્ટઅપ્સ સાથે સંકળાયેલા છે, તેમણે નવીન વ્યવસાય મોડેલો વિશે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે ગુજરાત સરકારના i-Hub કાર્યક્રમને બિરદાવ્યો હતો અને તેનો લાભ લેવા માટે ઉપસ્થિતોને પ્રોત્સાહિત કર્યા હતા.
ગાંધીધામ ચેમ્બરના પ્રમુખ મહેશ પુજે જણાવ્યું હતું કે, ચેમ્બર માત્ર શહેરી વિસ્તારોમાં જ નહીં, પરંતુ કચ્છના ગ્રામીણ વિસ્તારોમાં પણ ટેકનોલોજીની પહોંચ વધારવા માટે સક્રિય છે. તેમણે હેન્ડીક્રાફ્ટ, ખેતી આધારિત વ્યાપાર અને લોજિસ્ટિક્સ ક્ષેત્રે ટેકનોલોજીથી મૂલ્ય શૃંખલા સુધારવા માટે ચેમ્બરના સતત પ્રયાસો પર ભાર મૂક્યો હતો.
માનદ મંત્રી મહેશ તીર્થાણીએ જણાવ્યું હતું કે, ગાંધીધામ ચેમ્બર વર્ષભર ટેક આધારિત સેમિનાર, સ્કિલ વર્કશોપ્સ અને ફાઇનાન્સિંગ અવેરનેસ કાર્યક્રમોનું સતત આયોજન કરે છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ઇનોવેશન આધારિત સ્ટાર્ટઅપ્સ માટે જરૂરી ઇકોસિસ્ટમ બનાવવી એ હવે ચેમ્બરની નીતિ છે. તેમણે ઉમેર્યું હતું કે આવતીકાલનો વ્યાપાર માત્ર ભૌતિક જ નહીં, પરંતુ ડિજિટલ અને ડેટા આધારિત હશે.
તીર્થાણીએ કચ્છના હેન્ડીક્રાફ્ટ અને ટુરિઝમ ઉદ્યોગને ટેક આધારિત પ્લેટફોર્મ પર લાવવાના પ્રયાસો, પોર્ટ આધારિત લોજિસ્ટિક્સ ક્ષેત્રે યુવાનો માટે AI અને સપ્લાય ચેઈન વર્કશોપ્સ, તેમજ ગ્રામ્ય યુવાનો માટે સોશિયલ મીડિયાના માધ્યમથી વ્યાપાર, ઈ-કોમર્સ, મેટા એડ્સ અને પેમેન્ટ ટૂલ્સ પર તાલીમ કાર્યક્રમો યોજવાની યોજનાઓ વિશે માહિતી આપી હતી. આ સેમિનારમાં ચેમ્બરના પૂર્વ પ્રમુખ તેજા કાનગડ અને અન્ય કારોબારી સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.