સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે વડોદરા પાસે ગાંધીધામ આવતો દારૂ ઝડપ્યો

Spread the love

ગાંધીધામ ટુડે, ન્યૂઝ: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અન્ય રાજ્યોમાંથી દારૂ ઘૂસાડવાના પ્રયાસો સતત ચાલુ રહે છે. ત્યારે સ્ટેટ મોનિટરીંગ સેલ (SMC)ની ટીમે વડોદરાની ભાગોળે આવેલા છાણી પાસે નેશનલ હાઈવે પરથી એક મોટી સફળતા મેળવી છે. હરિયાણાથી ગાંધીધામ તરફ જઈ રહેલા એક કન્ટેનર ટ્રકમાંથી રૂ. ૬૨.૧૯ લાખની કિંમતનો વિદેશી શરાબનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.

આ દારૂનો જથ્થો અત્યંત ચાલાકીપૂર્વક છૂપાવવામાં આવ્યો હતો. બંધ બોડીના આ કન્ટેનર ટ્રકમાં લાકડાના ભૂસાના કોથળાઓની ઓથ લઈને તેની પાછળ શરાબની પેટીઓ છૂપાવવામાં આવી હતી. બાતમીના આધારે SMCની ટીમે આણંદ તરફ જતા નેશનલ હાઈવે પર દુમાડ ચોકડી નજીક આ શંકાસ્પદ ટ્રકને આંતરી હતી.

Advertisements

ડ્રાઈવરની જુબાની: ‘પુત્રની સ્કૂલ ફી ભરવા’ દારૂની ખેપ મારી

ટ્રક ડ્રાઈવર સતવીરસિંઘ વાલ્મીકિ (રહે. ઝજ્જર, હરિયાણા)એ પૂછપરછમાં જણાવ્યું હતું કે ટ્રકમાં લાકડાનું ભૂસું ભરેલું છે અને તે ઔરંગાબાદથી ગાંધીધામ જઈ રહ્યો છે. તેણે બિલ્ટી પણ બતાવી હતી, જોકે SMCની બાતમી સચોટ હોવાથી પોલીસે મિણીયાના કોથળાઓ ખસેડીને તપાસ કરી. લાકડાના ભૂસા ભરેલા ૫૯૫ કોથળાની પાછળ છૂપાવેલી શરાબની કુલ ૩૯૮ પેટીઓ મળી આવી હતી, જેની બજાર કિંમત રૂ. ૬૨.૧૯ લાખ થવા જાય છે.

ડ્રાઈવર સતવીરસિંઘે પોલીસને જણાવ્યું કે તે વર્ષોથી ટ્રક ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. તેને પુત્રની સ્કૂલ ફી ભરવા માટે પૈસાની જરૂરિયાત હતી. ઝજ્જર ખાતે ટાયર પંક્ચરની દુકાન ચલાવતા તેના પરિચિત ઋષિરાજને તેણે આ અંગે વાત કરી. ઋષિરાજ ગુજરાતમાં દારૂની ખેપ મારવા ઈચ્છતાં ડ્રાઈવરોને સારું મહેનતાણું આપતો હતો, જેથી સતવીરસિંઘ દારૂની ખેપ મારવા તૈયાર થઈ ગયો.

‘જયશ્રી રામ’ હતો કોડવર્ડ

ઋષિરાજ સતવીર અને કો-ડ્રાઈવર મનજીત શર્માને ટ્રક લઈને સોનીપત લઈ ગયો હતો. ત્યાં તેને સૂચના આપવામાં આવી કે હાઈવે હોટેલ પર રાહ જોજે અને એક માણસ આવે જે ‘જયશ્રી રામ’નો કોડવર્ડ બોલે, તેને ટ્રક સોંપી દેવી. આ માણસ ટ્રકમાં માલ લોડ કરીને પરત આપી જશે.

સૂચના મુજબ, બીજા દિવસે અજાણ્યો માણસ ટ્રક લઈ ગયો હતો અને લાકડાના ભૂસાની આડમાં શરાબનો જથ્થો લોડ કરીને ટ્રક પરત આપી ગયો. ત્યારબાદ ઋષિરાજે સતવીરસિંઘને ગાંધીધામથી ઔરંગાબાદની બિલ્ટી આપી હતી, જેથી પોલીસને શંકા ન જાય.

ગાંધીધામનો બૂટલેગર અજાણ્યો

સતવીરસિંઘને કહેવામાં આવ્યું હતું કે ગાંધીધામ પહોંચવાના ૨૦ કિલોમીટર પહેલાં તેને ફોન કરે, જેથી માલ કોને અને ક્યાં આપવાનો છે તેની વિગત આપી શકાય. આ દારૂની ખેપ બદલ સતવીર અને મનજીત શર્માને રૂ. ૩૦,૦૦૦નું મહેનતાણું મળવાનું હતું, જે બંને અડધું-અડધું વહેંચી લેવાના હતા.

પોલીસે ટ્રકમાંથી દારૂ ઉપરાંત રૂ. ૩.૫૭ લાખનું ભૂસું ભરેલા કોથળા, બે મોબાઈલ ફોન અને ૧૫ લાખનું વાહન મળીને કુલ રૂ. ૮૦.૮૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

Advertisements

આ કેસમાં ઝડપાયેલા બંને ડ્રાઈવર ઉપરાંત દારૂ મોકલનાર ઋષિરાજ અને તેના પાર્ટનર રાકેશ જાટ, ટ્રકના માલિક અને ગાંધીધામના અજાણ્યા બૂટલેગર સામે છાણી પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. જોકે, ગાંધીધામમાં માલ કોને પહોંચાડવાનો હતો તે બૂટલેગરનું નામ હજુ સુધી ખૂલ્યું નથી. SMCની ટીમ હવે માલ મંગાવનારની ઓળખ કરવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Submit Comment