ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામ સંકુલમાં રખડતા ઢોરનો રીતસર ત્રાસ છે. નંદીઓની લડાઈમાં અત્યાર સુધીમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે, તો અસંખ્ય લોકો ઇજાગ્રસ્ત થયા છે. નગરપાલિકા વખતે અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી. તે સમયે ઢોર પકડવાના બદલે સરકારે રખડતા ઢોરના નિયંત્રણ માટે આપેલી રૂા. ૨૦ લાખની ગ્રાન્ટ અન્ય કામોમાં વાપરી નાખી હતી અને જે રૂપિયા ખર્ચાયા હતા તે વીઆઈપીઓના રસ્તામાં ઢોર ન આવે તેની પાછળ ખર્ચાયા હતા. મહાનગરપાલિકા બનતા લોકોએ તંત્રને રખડતા ઢોરના મામલે પગલાં ભરવા રજૂઆતો કરી હતી, જેનાં પગલે મ્યુનિસિપલ કમિશનર મિતેશ પંડ્યા અને નાયબ મ્યુનિસિપલ કમિશનર મેહુલ દેસાઈ ગુરુવારે ગાંધીધામ સંકુલની ૮ ગૌશાળાના સંચાલકો અને અગ્રણીઓ સાથે એક બેઠક કરી હતી, જેમાં રખડતા ઢોરને પકડીને ગૌશાળામાં રાખવા બાબતે ચર્ચાઓ કરવામાં આવી હતી.
મેહુલ દેસાઈએ જણાવ્યું હતું કે, લગભગ એક પખવાડિયામાં રખડતા ઢોરને પકડવાની કામગીરી શરૂ કરવામાં આવશે અને જે ગૌશાળામાં જગ્યાઓ હશે ત્યાં ઢોર મૂકવામાં આવશે. જાેડિયા શહેરોના આંતરિક અને મુખ્ય માર્ગો ઉપર ઘાસચારો વેચનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને સદંતર ઘાસચારો વેચવાનું બંધ કરાવવામાં આવશે. તેમણે લોકોને પણ જાહેરમા ઘાસચારો ન નાખવા માટે અપીલ કરી છે, તો બીજી તરફ દુધાળા પશુઓને શહેરમાં ખુલ્લા છોડનાર માલિકો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે તેવું કહ્યું હતું. ગૌશાળાઓ અને સંસ્થાઓના સહયોગથી રખડતા ઢોરને પકડવામાં આવશે અને યોગ્ય જગ્યાએ રાખીને વ્યવસ્થાઓ કરાશે તેમ જણાવ્યું હતું.
અધિકારીઓ સાથેની બેઠકમાં અરજણભાઈ કાનગડ, મહેશ તીર્થાણી, મોહનભાઈ ધારશી, રાજભા ગઢવી, રતિલાલ સુથાર સહિતના ઉપસ્થિત રહ્યા હતા. બોક્સડીસી-૫ના પ્લોટમાં વ્યવસ્થાઓ ઊભી કરાશે. દીનદયાલ પોર્ટ ઓથોરિટી દ્વારા ડીસી-૫ના પાછળના ભાગે રખડતા ઢોરને રાખવા માટેનો પ્લોટ ફાળવવામાં આવ્યો છે. મહાનગરપાલિકા દ્વારા અહીં પ્લોટની જમીન સમતલ કરીને ગૌવંશ રાખવા માટે પાણી સહિતની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવશે. અહીં મહાનગરપાલિકા દ્વારા જાેડિયા શહેરોની સંસ્થાઓનો સહયોગ લઈને કામગીરી કરવામાં આવશે, તેમ અધિકારીઓએ કહ્યું હતું.