ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગુજરાતમાં દારૂબંધીના કડક અમલના ભાગરૂપે, ગાંધીધામ “એ” અને “બી” ડિવિઝન તેમજ દુધઈ પોલીસ સ્ટેશન દ્વારા પ્રોહિબિશનના ગુનાઓમાં જપ્ત કરાયેલ કુલ ₹ 15,61,337/-ની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો આજે નાશ કરવામાં આવ્યો.
સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નામદાર કોર્ટમાંથી હુકમ મેળવીને આજે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એસ.જે. ચૌધરી (અંજાર, કચ્છ) અને નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી (અંજાર વિભાગ) ની રૂબરૂમાં દારૂનો નાશ કરવામાં આવ્યો હતો.

આ કાર્યવાહીમાં ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી. ગોજીયા , ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.ડી. ચૌધરી, દુધઈ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી. ડાંગર, અને નશાબંધી તથા આબકારી અધિકારી દામીની આર. ધોબી સહિત પોલીસ સ્ટાફના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વિવિધ પ્રોહિબિશનના ગુનાઓમાં કબજે કરાયેલી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીન સહિત કુલ 3049 બોટલોનો નાશ કરવામાં આવ્યો. આ દારૂનો જથ્થો અંજાર વીડી સીમ વિસ્તારમાં લોડર, આઇસર વાહન, ઇ.સી.આર ફાયર વાહન અને એમ્બ્યુલન્સ વાહનોનો ઉપયોગ કરીને નાશ કરવામાં આવ્યો હતો.

જપ્ત કરાયેલ દારૂનો વિગતવાર હિસાબ:
- ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન: 1584 બોટલો/ટીન, કિંમત ₹ 9,21,720/-
- ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશન: 853 બોટલો/ટીન, કિંમત ₹ 3,49,457/-
- દુધઈ પોલીસ સ્ટેશન: 612 બોટલો/ટીન, કિંમત ₹ 2,90,160/-
આ સંપૂર્ણ કાર્યવાહી ગુજરાતમાં દારૂબંધીના કાયદાના અસરકારક અમલીકરણ પ્રત્યે પોલીસ તંત્રની પ્રતિબદ્ધતા દર્શાવે છે.