ગાંધીધામ ટુડે, ન્યૂઝ : કચ્છના ધોરીમાર્ગોની ખરાબ હાલતને કારણે લાંબા સમયથી ઉદ્યોગકારો અને પરિવહનકારો દ્વારા અનેક વખત રજુઆતો કરવામાં આવી હોવા છતાં હજી સુધી કોઈ ઠોસ કાર્યવાહી ન થતા હવે “નો રોડ, નો ટોલ” આંદોલનનો કડક અમલ કરવાનો નિર્ણય લેવાયો છે. આ મુદ્દે પરિવહનકારોએ ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી સમક્ષ આવેદન પાઠવ્યું હતું. ચેમ્બર તરફથી પણ આંદોલનને નૈતિક સમર્થન જાહેર કરીને સરકાર તથા નેશનલ હાઈવે ઓથોરિટી સહિતના તંત્ર સમક્ષ તાત્કાલિક પગલાં લેવા રજૂઆત કરવામાં આવી છે.
ગાંધીધામ ચેમ્બરે આપ્યું નૈતિક સમર્થન
This Article Includes

ગાંધીધામ ચેમ્બરના પ્રમુખ મહેશ પુજે જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લાના માર્ગોની હાલત અત્યંત ખરાબ છે, જેના કારણે ઉદ્યોગ, પરિવહન અને જનહિતને નુકસાન થઈ રહ્યું છે. તેમણે સરકાર અને હાઈવે ઓથોરિટી ત્વરિત કાર્યવાહી કરે તેવી માંગણી કરી હતી. પૂર્વ પ્રમુખ તેજા કાનગડ તથા માનદમંત્રી મહેશ તીર્થાણીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, કચ્છની પ્રજાની સહનશક્તિ હવે તૂટી ગઈ છે અને માર્ગ સુધારા વિના ટેક્સ વસૂલાત અસંગત છે.
ગાંધીધામ ધારાસભ્ય સમક્ષ પણ રજુઆત

આ મુદ્દે ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી સમક્ષ પણ રજુઆત કરવામાં આવી છે. આવનારા 10મી સપ્ટેમ્બરથી કચ્છના તમામ ટ્રાન્સપોર્ટ એસોસિએશન, ચેમ્બર, ઉદ્યોગકારો અને જનતા એક સાથે આવીને “નો રોડ, નો ટોલ” આંદોલનનું રણશીંગુ ફૂંકશે. આંદોલન ત્યારે જ સમેટવામાં આવશે જ્યારે ગુણવત્તાસભર માર્ગોના કામની શરૂઆત થશે એવી સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે.
ટ્રાન્સપોર્ટ ઉદ્યોગનો હુંકાર : 8 હજાર ભારે વાહનો ટોલ નહીં ભરે
કચ્છના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગના અગ્રણીઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો સારા રોડ નહીં બને તો કચ્છના અંદાજે 8 હજાર ભારે વાહનો કોઈપણ ટોલટેક્સ નહીં ભરે. હાલમાં જ કચ્છ જિલ્લામાં આવેલા પાંચ ટોલગેટ – આડેસર, સુરજબારી, સામખિયાળી, મોખા અને ખાવડા – થકી નેશનલ હાઈવે ઓથોરિટી દૈનિક અંદાજે રૂ. 4 કરોડની આવક કરી રહી છે. તેમ છતાં રોડની હાલત અત્યંત નબળી છે, જેના કારણે વાહનોને નુકસાન તો થાય જ છે સાથે માનવીય જાનહાનિ પણ વધી રહી છે.
અગાઉના ધરણા છતાં કામ અટકી ગયું
2024માં ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના નેજા હેઠળ મોખા ટોલ પ્લાઝા ઉપર ધરણા યોજાયા હતા. તે સમયે કલેક્ટરની મધ્યસ્થીથી મળેલી ખાતરીને કારણે હડતાલ સમેટાઈ હતી. પરંતુ એક વર્ષ બાદ પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે અને કોઈ સુધારો ન થતા પરિવહનકારો હવે અડગ લડત માટે તૈયાર થઈ ગયા છે.
સુપ્રીમ કોર્ટનો હુકમ : “ખરાબ રોડ પર ટોલ વસૂલી નહિ કરી શકાય”
પરિવહનકારોએ યાદ અપાવ્યું કે સુપ્રીમ કોર્ટ દ્વારા પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જો રોડ સારા ન હોય તો કંપનીને ટોલ વસૂલવાનો અધિકાર નથી. જો છતાં તાત્કાલિક સમારકામ નહીં થાય તો આંદોલન દરમિયાન બનતી કોઈ દુર્ઘટના કે નુકસાન માટે સંપૂર્ણ જવાબદારી સંબંધિત વિભાગ અને અધિકારીઓની રહેશે.