ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ભુજની સંસ્કાર સ્કૂલ એન્ડ કૉલેજ બહાર આજે સાંજે એક ચકચારી ઘટના બની છે. કૉલેજમાં BCAના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી એક યુવતી અને યુવક પર બે અજાણ્યા યુવકોએ છરી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં યુવતીને ગળાના ભાગે ગંભીર ઈજા થઈ છે, જ્યારે તેના યુવકને પણ ઈજાઓ પહોંચી છે. બંનેને તાત્કાલિક સારવાર માટે જી.કે. જનરલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, ગાંધીધામ બાજુની રહેવાસી અને ભુજની ભાનુશાલી હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીની સાક્ષી સાંજે કૉલેજ છૂટ્યા બાદ હોસ્ટેલ તરફ જઈ રહી હતી. તે કૉલેજના ગેટ બહાર નીકળી ત્યારે બે છોકરાઓ સાથે તેની કોઈ બાબતે બોલાચાલી થઈ. આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં એક યુવકે છરી કાઢી યુવતી પર હુમલો કર્યો હતો.
યુવતીને બચાવવા વચ્ચે પડેલા તેના જયેશ નામના યુવક પર પણ હુમલાખોરે છરીના ઘા ઝીંક્યા હતા. હુમલો કરી બંને હુમલાખોરો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત યુવતીને ગળાના ભાગે ગંભીર ઈજા થઈ છે, જ્યારે યુવકને પેટ સહિત શરીરના અન્ય ભાગોમાં ઈજા પહોંચી છે. બંનેની હાલત ગંભીર જણાવાઈ રહી છે.
ઘટનાની જાણ થતાં જ લોકલ ક્રાઈમ બ્રાન્ચ સહિત પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી છે. પોલીસને ઘટનાસ્થળેથી એક બાઈક પણ મળી આવી છે, જેના પર ‘ઠાકોર’ લખેલું છે. આ હુમલા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી અને પોલીસ વધુ તપાસ કરી રહી છે.