ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ભારત સરકારના શિપિંગ મંત્રાલય હેઠળની ટોચની સલાહકાર સંસ્થા, નેશનલ શિપિંગ બોર્ડના ચેરમેન સમીર કુમાર ખરેએ દિનદયાલ પોર્ટ (કંડલા)ની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન, ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિમંડળે તેમને મળીને કચ્છના વિકાસને લગતા અનેક મુદ્દાઓ પર આવેદનપત્ર સુપરત કર્યું હતું.
ચેમ્બરના પ્રમુખ મહેશ પુજે જણાવ્યું હતું કે કચ્છ એક મહત્ત્વપૂર્ણ ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિક હબ તેમજ પ્રવાસન કેન્દ્ર છે. જોકે, હાલની અપૂરતી કનેક્ટિવિટી, ખાસ કરીને રોડ માર્ગો, પોર્ટના વિકાસમાં અવરોધરૂપ છે. આ સમસ્યાને દૂર કરવા માટે, ચેમ્બરે કંડલા પોર્ટથી માળીયા સુધીના કોસ્ટલ હાઈવે માટે કેન્દ્ર સરકારને વિસ્તૃત રજૂઆત કરી છે અને આ મુદ્દે બોર્ડ દ્વારા ભલામણ કરવા વિનંતી કરી છે.
ચેમ્બરના માનદ મંત્રી મહેશ તિર્થાણીએ જણાવ્યું કે, વધતી જતી ઔદ્યોગિક અને પ્રવાસન પ્રવૃત્તિઓ છતાં કચ્છમાં હવાઈ સેવાઓ અપૂરતી છે. તેમણે કંડલા એરપોર્ટના વિસ્તરણ માટે ઉડ્ડયન મંત્રાલયને ભલામણ કરવા રજૂઆત કરી. ચેમ્બરે એક પ્રખ્યાત એવિએશન ઈન્ફ્રા કંપની, જેકોબ્સ એવિએશન, દ્વારા તૈયાર કરાયેલા ફિઝીબિલિટી રિપોર્ટના આધારે એરપોર્ટના વિસ્તરણ પર ભાર મૂક્યો હતો. આ ઉપરાંત, તેમણે નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટ માટે જમીન ફાળવવા માટે શિપિંગ મંત્રાલયને ભલામણ કરવા પણ વિનંતી કરી.
આ રજૂઆત દરમિયાન, નેશનલ શિપિંગ બોર્ડના ચેરમેન સમીરકુમારે તેમની કક્ષાએથી યોગ્ય ભલામણ કરવાની ખાતરી આપી હતી. ચેમ્બરના પૂર્વ પ્રમુખ તેજાભાઈ કાનગડે પોર્ટ પર ઝડપી કામગીરી માટે વધારાના પ્રવેશ અને બહાર નીકળવાના ગેટ્સની માંગણી પણ કરી હતી.