ગાંધીધામ ટુડે, ન્યૂઝ: તારીખ ૧૨.૧૦.૨૦૨૫ ના રોજ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ દ્વારા એક સંવેદનશીલ કેસમાં માતા-પિતાના ઠપકાથી માઠું લાગતા ઘરેથી નીકળી ગયેલ કિશોરીને સુરક્ષિત રીતે તેની માતાને સોંપવામાં આવી હતી. એક જાગૃત નાગરિકના સમયસરના કોલથી આ શક્ય બન્યું.
જાગૃત નાગરિકે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન પર કોલ કરીને જાણ કરી હતી કે એક કિશોરી મળી આવી છે. કોલ મળતાની સાથે જ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ, જેમાં કાઉન્સેલર સેનમાં આરતીબેન અને મહિલા પોલીસ કોન્સ્ટેબલ વનિતાબેનનો સમાવેશ થતો હતો, તેઓ તાત્કાલિક ઘટના સ્થળ (ભચાઉ વિસ્તાર – સ્થળ બદલાવેલ છે) પર દોડી ગયા હતા.
ટીમે કિશોરીનું કુશળતાપૂર્વક કાઉન્સેલિંગ કર્યું. કાઉન્સેલિંગ દરમિયાન કિશોરીએ જણાવ્યું કે તે બહારના રાજ્યની છે અને તેના પિતા ગુજરાતના કચ્છમાં મજૂરી અર્થે આવેલા છે. પિતાની નશાની આદત અને માતાના અવારનવાર ઠપકાને કારણે કિશોરીને માઠું લાગ્યું હતું અને આજરોજ સાંજે ૦૭:૦૦ વાગ્યાના અરસામાં કોઈને જાણ કર્યા વગર તે ઘરેથી નીકળી ગઈ હતી.
૧૮૧ અભયમ ટીમના અસરકારક કાઉન્સેલિંગથી કિશોરીને સમજાયું કે ઘરેથી નીકળી જવું એ યોગ્ય પગલું નહોતું અને માતા તેને સારા ભવિષ્ય માટે જ ઠપકો આપતા હતા.
ત્યારબાદ, ૧૮૧ અભયમ ટીમે કિશોરીના માતાનું પણ કાઉન્સિલિંગ કર્યું અને તેમને સમજાવ્યું કે કોઈપણ વાત શાંતિથી સમજાવવી જોઈએ. હાથ ઉપાડવો કે ઠપકો આપવો તેનાથી બાળકના મન પર નકારાત્મક અસર પડે છે.
પોતાની દીકરીને સહી-સલામત જોતા પીડિતાના માતાએ ૧૮૧ અભયમ ટીમનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇને ફરી એકવાર સાબિત કર્યું કે સંકટના સમયે મહિલાઓ અને કિશોરીઓ માટે તે એક ભરોસાપાત્ર સહાયક છે.