ગાંધીધામ ટુડે, ન્યૂઝ : તા. ૨૫/૦૯/૨૦૨૫ ના રોજ ગાંધીધામ મહાનગરપાલિકાના ગુજરાત અર્બન લાઈવલીહુડ મિશન (GULM) વિભાગ દ્વારા શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ ની ઉજવણીના ભાગ રૂપે એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી હતી. PM SVANidhi-૨.૦ યોજના હેઠળ શહેરી વિસ્તારના ખાણી-પીણીના લારી ચલાવતા સ્ટ્રીટ ફૂડ ફેરિયાઓ માટે ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડિયા (FSSAI) મારફત FOSTAC (Food Safety Training and Certification) તાલીમ કાર્યક્રમનું આયોજન સરદાર વલ્ભભાઇ પટેલ ટાઉનહોલ, ગાંધીધામ ખાતે કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ગાંધીધામ મહાનગરપાલિકાના ફુડ ઇસ્પેકટર શ્રી આનંદભાઇ ઉદવાણી, ડે.એન.યુ.એલ.એમ. યોજનાના મેનેજરશ્રીઓ અને કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. કુલ ૨૯૫ સ્ટ્રીટ ફૂડ ફેરિયાઓએ બહોળી સંખ્યામાં આ તાલીમનો લાભ લીધો હતો.
સ્વચ્છતા અને સલામતી પર ભાર
FSSAI તરફથી આવેલ ટ્રેનર, મહારાષ્ટ્રના ફુડ ઇસ્પેકટર શ્રી આષિશ મહાજન દ્વારા તમામ સ્ટ્રીટ ફૂડ ફેરિયાઓને ખોરાક માટે સ્વચ્છતા અને સલામતી (Hygiene and Safety) અપનાવવાના વ્યવહાર માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તેમણે આરોગ્ય, આહાર અને સ્વચ્છતાની કાળજી રાખવા વિશે પ્રેઝન્ટેશન દ્વારા ઊંડાણપૂર્વક સમજણ આપી હતી.

આ ઉપરાંત, ગાંધીધામ મહાનગરપાલિકાના ફુડ ઇસ્પેકટર દ્વારા ફૂડસ્ટોલ ધારકોને ગ્રાહકો માટે આહાર બનાવતી અને પીરસતી વખતે માથે ટોપી, હાથમાં ગ્લોઝ અને શરીરે એપ્રેન પહેરવા તેમજ સ્થળ પર સ્વચ્છતા જાળવવા માટે વિશેષ સમજ આપવામાં આવી હતી. ફેરિયાઓને FOSCOS સાઇટ ઉપર રજીસ્ટ્રેશન અને પ્રમાણપત્ર કેવી રીતે મેળવવું તે અંગે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમના અંતમાં, પ્રોગ્રામ મેનેજર શ્રીમતિ વિમલબેન હેરમા દ્વારા PM SVANidhi 2.0 તથા સરકારશ્રીની અન્ય યોજનાઓ વિષે ફેરિયાઓને માહિતી આપવામાં આવી હતી અને સૌને સ્વચ્છતા અંગેના શપથ અપાવવામાં આવ્યા હતા.