ગાંધીધામ ટુડે, ન્યૂઝ : અંજાર મધ્યે શ્રી મતિયા નગર યુવા ગ્રુપ અને સમગ્ર સમાજના સહકારથી પ.પૂ. શ્રી મતિયા દેવ મેળા મહોત્સવ – ૨૦૨૫ નું ભવ્ય આયોજન તા. ૧૦ સપ્ટેમ્બર, ૨૦૨૫, બુધવારના રોજ કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને શ્રદ્ધાપૂર્વક ઉજવણીમાં ભાગ લીધો હતો.

કાર્યક્રમની રૂપરેખા
This Article Includes
સાંજે ૫ વાગ્યે ગરબી ચોકથી મતિયા દેવ મંદિર સુધી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સામૈયામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ પવિત્ર અવસરે શ્રી અંજાર મહેશ્વરી સમાજના ધર્મગુરુઓ પ.પૂ. શ્રી ખીમજીદાદા ધણજીદાદા માતંગ, શ્રી લક્ષ્મણદાદા દેવરાજદાદા માતંગ, શ્રી નવીનદાદા દેવજીદાદા માતંગ અને પૂજારી શ્રી કિશોરભાઈ આત્મારામભાઈ મહારાજની ઉપસ્થિતિથી સમગ્ર વાતાવરણ પવિત્રતા અને ઉત્સાહથી છવાઈ ગયું હતું.

સાંજે ૭:૩૦ વાગ્યે પ્રસાદ અને જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના મુખ્ય દાતા તરીકે શ્રી અતુલભાઈ બાલુભાઈ ધૂઆ, શ્રી હીરજીભાઈ નથુભાઈ પાતારિયા અને શ્રી નારણભાઈ ભચુભાઈ ડુગડીયા રહ્યા હતા. ત્યારબાદ રાત્રે ૧૦ વાગ્યે જ્ઞાનવાણી કાર્યક્રમ અને ૧૧ વાગ્યે દાંડિયારાસ યોજાયા, જેમાં ભાઈઓ અને બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

મુખ્ય અતિથિઓ અને સન્માન
આ મહોત્સવમાં અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી, જેમાં મુખ્ય અતિથિ તરીકે શ્રી દિનેશદાદા વેલજીદાદા ધૂઆ (લઠેડી મળદ પીર ધામ), શ્રી લખનભાઈ ધૂવા (બહુજન આર્મી સંસ્થાપક), જ્યોતિબેન દિનેશભાઈ ડુગળીયા (સરપંચ, મારીંગણા ગ્રામ પંચાયત), અને સામાજિક અગ્રણીઓ જેવા કે શ્રી મંગલભાઈ ડુગળીયા (કચ્છ જિલ્લા પ્રમુખ – બહુજન આર્મી), નારાણભાઈ આયડી, નાનજીભાઈ આયડી, કમલેશભાઈ દેવરિયા, કાનજીભાઈ દેવરિયા, મગનભાઈ ફફલ (મુન્દ્રા તાલુકા મહેશ્વરી સમાજ), અક્ષય કન્નર (શ્રી ધણીમાતંગ દેવ મેડિકલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ) સહિત અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા. મુસ્લિમ સમાજના અગ્રણી અબ્દુલભાઈ કુંભારની હાજરીએ આ કાર્યક્રમને સર્વધર્મ સમભાવનો સંદેશ આપ્યો હતો.

શ્રી મતિયા નગર યુવા ગ્રુપ-અંજારના પ્રમુખ શ્રી નવીન એચ. પાતારિયા, ઉપપ્રમુખ શ્રી હેમરાજ વી. આયડી, મહામંત્રી શ્રી ધીરજ કે. દેવરિયા, મંત્રી પિયુષ એન. ધોરીયા સહિત સમગ્ર યુવા ગ્રુપ દ્વારા મહેમાનોનું ફૂલહાર અને શાલ અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું. આ ભવ્ય આયોજન શ્રી મતિયા નગર યુવા ગ્રુપ અને અંજારના મહેશ્વરી સમાજની એકતા અને સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.