ગાંધીધામ ટુડે ન્યુઝ, ભારતીય મૂળની અમેરિકન અંતરિક્ષયાત્રી સુનિતા વિલિયમ્સ, જે છેલ્લા 9 મહિનાથી આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ મથક (ISS)માં ફસાઈ ગઈ હતી, તેમની વાપસીની તૈયારી ચાલી રહી છે. નાસાએ જણાવ્યું હતું કે આ અવકાશયાત્રીઓના પરત ફરવાનો સમય મંગળવારે સાંજે 5:57 વાગ્યે (ભારતીય સમય મુજબ 19 માર્ચે મોડીરાતે 3:30 વાગ્યે) ફ્લોરિડાના સમુદ્રમાં ઊતરશે. સુનિતા વિલિયમ્સનું મૂળ ગુજરાતના મહેસાણા જિલ્લાના ઝુલાસણ ગામ સાથે જોડાયેલું છે, જે રાજ્ય માટે ગૌરવનું કારણ છે.
મિશનની શરૂઆત અને મુશ્કેલીઓ
6 જૂન 2024ના રોજ, સુનિતા વિલિયમ્સ અને તેમના સહ-અંતરિક્ષયાત્રી બેરી વિલ્મોર બોઇંગ સ્ટારલાઇનર અવકાશયાન દ્વારા ISS પર ગયા હતા. આ મિશન 8 દિવસનું હતું અને 14 જૂને તેમની પૃથ્વી પર વાપસીનું આયોજન હતુ. પરંતુ, અવકાશયાનમાં ટેકનિકલ ખામીઓ સર્જાતા, તેમની વાપસી અનિશ્ચિત બની ગઈ અને તેઓ ISSમાં વધુ સમય માટે રોકાયા હતા. સુનિતા અવકાશયાન લગભગ 3 કલાકમાં 400 કિમીનું અંતર કાપશે અને એટલાન્ટિક મહાસાગર અથવા મેક્સિકોના અખાતમાં સ્પ્લેશ ડાઉન થશે, જોકે પૃથ્વીમાં પ્રવેશ કરતી વખતે ડ્રેગન કેપ્સ્યૂલનો કોણ (ખૂણો) ચોક્કસ હોવો જરૂરી છે. ઉપરાંત એ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કે એનાં બધાં પેરાશૂટ સમયસર ખૂલે.
સુનિતા વિલિયમ્સનું જીવન અને ગુજરાત સાથેનો સંબંધ
સુનિતા વિલિયમ્સનો જન્મ 19 સપ્ટેમ્બર 1965ના રોજ ઓહિયો, અમેરિકા ખાતે થયો હતો। તેમના પિતા દીપક પંડ્યા ગુજરાતના મહેસાણા જિલ્લાના ઝુલાસણ ગામના વતની છે, જે ગુજરાત સાથેનું તેમનું ગાઢ જોડાણ દર્શાવે છે. સુનિતાએ 1987માં યુ.એસ. નૌકાદળ તાલિમ કેન્દ્રમાંથી શારિરીક વિજ્ઞાનમાં બેચલર ઓફ સાયન્સની પદવી મેળવી હતી અને 1995માં ફ્લોરિડા ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજીમાંથી એન્જિનિયરીંગ મેનેજમેન્ટમાં માસ્ટર ઓફ સાયન્સની પદવી મેળવી હતી.
અંતરિક્ષમાં સુનિતાની સિદ્ધિઓ
સુનિતા વિલિયમ્સે 2007માં 195 દિવસ સુધી અંતરિક્ષમાં રહીને સ્ત્રી અવકાશયાત્રી તરીકે સૌથી લાંબા સમય સુધી અંતરિક્ષમાં રહેવાનો વિક્રમ સ્થાપિત કર્યો હતો. તેમણે કુલ 7 અવકાશ યાત્રાઓ કરી છે, જેમાં 50 કલાક અને 40 મિનિટનો સમય અંતરિક્ષમાં વિતાવ્યો છે. તેઓએ 2007માં અંતરિક્ષમાં મેરેથોન દોડ પણ પૂર્ણ કરી હતી, જે તેમના શારીરિક અને માનસિક શક્તિનો દાખલો છે.