ગાંધીધામ ટુડે, ન્યૂઝ : સુપ્રીમ કોર્ટના તમામ જજને પોતાની સંપત્તિ જાહેર કરવા આદેશ આપવામાં આવ્યો છે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા સંજીવ ખન્નાને પણ પોતાની સંપત્તિની માહિતી જાહેર કરી આ નિર્ણયને સ્વીકાર્યો છે. સુપ્રીમ કોર્ટની ફુલ કોર્ટે નિર્ણય લીધો છે કે, સુપ્રીમ કોર્ટમાં જજનું પદ સંભાળી રહેલા તમામ જજોને પોતાની સંપત્તિની સંપૂર્ણ વિગતો જાહેર કરવી પડશે. સંપત્તિની તમામ વિગતો સુપ્રીમ કોર્ટની વેબસાઈટ પર અપલોડ કરવાની રહેશે.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, દેશના CJI અને જજે પોતાની સંપત્તિઓ વિશે સંપૂર્ણ વિગતો સ્વેચ્છાએ સુપ્રીમ કોર્ટની વેબસાઈટ પર જાહેર કરવાની રહેશે. જે ફરિજ્યાત નથી. હાલ CJI સહિત સુપ્રીમ કોર્ટના કુલ 30 જજએ પોતાની સંપત્તિ જાહેર કરી છે. જેમાં CJI સંજીવ ખન્ના, જસ્ટિસ બીઆર ગવાઈ, જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ અભય એસ. ઓક, જસ્ટિસ જે.કે. મહેશ્વરી, જસ્ટિસ બીવી નાગરત્ના સહિતના જજ સામેલ છે.
થોડા દિવસ પહેલાં જ દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્માના નિવાસ સ્થાનેથી મોટા પ્રમાણમાં રોકડ ઝડપાઈ હતી. આ રોકડ મામલે તપાસ માટે CJI સંજીવ ખન્નાએ 22 માર્ચના રોજ જસ્ટિસ યશવંત વર્મા વિરૂદ્ધ ત્રણ સભ્યોની આંતરિક તપાસ શરૂ કરી હતી. 14 માર્ચના રોજ જસ્ટિસના ઘરે આગ લાગી હતી. જેમાં ફાયર બ્રિગેડની ટીમને સ્ટોર રૂમમાંથી નોટોના બંડલ અર્ધ સળગેલી હાલતમાં મળ્યા હતાં. જસ્ટિસ યશવંત વર્મા પર લાગેલા આરોપોને ધ્યાનમાં રાખતાં સુપ્રીમ કોર્ટે આ નિર્ણય જાહેર કર્યો છે.