ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામ રેલવે સ્ટેશન પર ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાન 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર, 2025 સુધી ચાલશે, જેમાં રેલવે સ્ટેશનને સ્વચ્છ અને સુંદર બનાવવાની પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવી છે.

આ અભિયાનની શરૂઆત તમામ કર્મચારીઓને સ્વચ્છતા જાળવવાના શપથ લેવડાવીને કરવામાં આવી હતી. કર્મચારીઓએ પ્રતિજ્ઞા લીધી કે તેઓ દર વર્ષે, દર અઠવાડિયે બે કલાક શ્રમદાન કરીને સ્વચ્છતા અભિયાનમાં સક્રિયપણે ભાગ લેશે. આ પહેલ “ન હું ગંદકી કરીશ અને ન કરવા દઈશ” ના સૂત્ર સાથે શરૂ કરવામાં આવી છે.

અભિયાનના પ્રથમ દિવસે, રેલવેની ટીમે પ્લેટફોર્મ્સ અને સ્ટેશનની બહારના વિસ્તારોની સફાઈ કરી હતી. આ પહેલમાં ગાંધીધામના સ્ટેશન માસ્તર અખિલેશ ગુપ્તા અને રાજેશકુમાર, વાણિજ્ય નિરીક્ષક શશીભાઈ મકવાણા, સ્વાસ્થ્ય નિરીક્ષક નીરજ જાટવાલ, અને ટિકિટ કલેક્ટર મુકેશભાઈ અને દીપક લોબો સહિત અનેક અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.

આ ઉપરાંત, માનવતા ગ્રુપના પ્રમુખ અને ગાંધીધામ રેલવે સ્ટેશન સલાહકાર સમિતિના પૂર્વ સભ્ય ગોવિંદ દનીચા તેમજ હાઉસકીપિંગ કોન્ટ્રાક્ટરના સુપરવાઈઝર અને અન્ય સભ્યોએ પણ આ અભિયાનમાં સહયોગ આપ્યો હતો.
આ પ્રયાસનો મુખ્ય હેતુ રેલવે સ્ટેશનને સ્વચ્છ રાખવાનો અને મુસાફરો તેમજ કર્મચારીઓમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો છે.