ગાંધીધામ ટુડે ન્યુઝ : શહેરમાં મહાનગરપાલિકા હેઠળ કાર્યરત કોન્ટ્રાક્ટરના સફાઈ કામદારો છેલ્લા એક અઠવાડિયાથી પગાર ચુકવણીના વિલંબ સામે વિરોધ નોંધાવી હડતાલ પર ઉતર્યા છે. જેના પરિણામે શહેરના અનેક વિસ્તારોમાં ગંદકીના ઢગલાં ઊભા થયા છે અને પાણી ભરાવાની સમસ્યા વધી રહી છે.

સફાઈ કામદારોના હડતાલ પર જતા શહેરી વિસ્તારોમાં ગટરો ઉભરાઈ ગયા છે, રસ્તાઓ પર ગંદુ પાણી ભરાઈ ગયું છે અને ભારે દુર્ગંધ ફેલાઈ રહી છે. વરસાદી મોસમમાં સફાઈની કામગીરી બંધ રહેતાં રોગચાળાની દહેશત વધતી જોવા મળી રહી છે.
લતીફભાઈ ખલીફા, મહામંત્રી – શહેર કોંગ્રેસ, દ્વારા જણાવવામાં આવ્યું કે, “ગાંધીધામ મહાનગરપાલિકા બની તે પછી શહેરમાં તકલીફો વધુ વધી છે. શહેર સ્વચ્છ રાખવું તંત્રની જવાબદારી છે. સમયસર પગાર ચુકવણી નહીં થતા સફાઈ કામદારો હડતાલ પર જતા આજે સમગ્ર શહેર ગંદકીમાં ગરકાવ છે.”

શહેરીજનો તાત્કાલિક ધોરણે પગાર મુદ્દે નિકાલ લાવી સફાઈ કાર્ય પુનઃશરૂ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. જો તંત્રે સમયસર કાર્યવાહી નહીં કરે તો જાહેર આરોગ્યના ગંભીર પ્રશ્નો ઊભા થઈ શકે છે.