ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ઉનાળુ વેકેશન દરમિયાન મુસાફરોના વધતા ધસારા વચ્ચે પશ્ચિમ રેલવે દ્વારા વિશેષ પગલાં લેવાયા છે. રેલવે દ્વારા આ વખતે તેજસ શ્રેણીની ૧૦ વેકેશન સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખાસ કરીને કચ્છના મુસાફરો માટે આ એક રાહતરૂપ નિર્ણય છે, કારણ કે લાંબા સમય બાદ મુંબઈ સેન્ટ્રલ સુધી પહોંચતી ટ્રેન સેવા ફરીથી આંશિક રીતે પુનઃપ્રારંભ થઈ છે.
રેલવેના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ટ્રેન નંબર 09017 દર સોમવારે રાત્રે 11:20 કલાકે મુંબઈ સેન્ટ્રલથી રવાના થશે અને મંગળવારે બપોરે 12:55 કલાકે ગાંધીધામ પહોંચશે. જ્યારે ટ્રેન નંબર 09018 દર મંગળવારે સાંજે 6:35 કલાકે ગાંધીધામથી રવાના થઈ બુધવારે સવારે 7:30 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે.
આ ટ્રેનો 3 જૂનથી 1 જુલાઈ સુધી સીમિત સમયગાળા માટે દોડાવવામાં આવશે. બંને દિશામાં ટ્રેન બોરીવલી, વાપી, સુરત, વડોદરા, આણંદ, અમદાવાદ, વિરમગામ, સામખિયાળી અને ભચાઉ સ્ટેશનો પર થોભશે.
તેજસ શ્રેણીની આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, સેકન્ડ એસી અને થર્ડ એસીના કોચો જોડવામાં આવ્યા છે, જે મુસાફરોને આરામદાયક અને સુવિધાજનક મુસાફરીની અનુભવ આપશે.
ઉલ્લેખનીય છે કે અગાઉ કચ્છ એક્સપ્રેસ મુંબઈ સેન્ટ્રલ સુધી જતી હતી, પરંતુ તે બાદમાં બાંદ્રા ટર્મિનસ સુધી મર્યાદિત કરવામાં આવી હતી. ઘણા સમયથી મુસાફરો મુંબઈ સેન્ટ્રલ સુધીની સીધી ટ્રેન સેવા પુનઃપ્રારંભ કરવાની માગણી કરી રહ્યા હતા. હવે વેકેશન સ્પેશિયલ તરીકે આ સેવા આંશિક રૂપે ઉપલબ્ધ થવા જઈ રહી છે.