ગાંધીધામ ટુડે, ન્યૂઝ ઃ શહેરની શક્તિનગરમાં આંગડિયા પેઢીના માલિક પાસે બંદૂકની અણી રૂા.૪૧ લાખની લૂંટ ચલાવાઈ હોવાના ચકચારી પ્રકરણમાં ગાંધીધામની અદાલતે બે આરોપીને નિર્દોષ ઠરાવ્યા હતા.ગાંધીમાર્કેટમાં પી.એમ. આંગડિયાના માલિક પ્રતીકભાઈ ઠક્કર ગત તા.૧૩/૧૨/૨૦૧૮ના રાત્રિના નવ વાગ્યાના અરસામાં પોતાની પેઢી બંધ કરીને પેઢીની રોકડ રકમ રૂા.૪૧ લાખ અને લેપટોપ થેલામાં લઈને પોતાનાં ઘરે શક્તિનગર ગયા હતા. દરમ્યાન અહીં બંદૂકની અણીએ લૂંટનાં કૃત્યને અંજામ અપાયો હતો. આ પ્રકરણમાં પોલીસે આરોપી છત્રપાલસિંહ હર્ષદસિંહ સોલંકી (રહે.ભાવનગર) તથા વિશાલ કિશોરભાઈ મેદપરાની ધરપકડ કરી હતી. આ કેસ બીજા અધિક ચીફ. જ્યુ. ન્યાયાધીશ એમ.એ. શેખ સમક્ષ ચાલી ગયો હતો. ૧૫ સાહેદ અને દસ્તાવેજી પુરાવા તથા બંને પક્ષની દલીલોને સાંભળ્યા બાદ અદાલતે બંને આરોપીને નિર્દોષ છોડી મૂકવા આદેશ આપ્યો હતો. બચાવપક્ષે ધારાશાત્રી વાલજીભાઈ કારિયા, પ્રવીણભાઈ મહેશ્વરીએ હાજર રહીને દલીલો કરી હતી.
ચેક બાઉન્સ કેસના આરોપીનો નિર્દોષ છુટકારો
એક કેસની વિગતો મુજબ ગાંધીધામમાં ફરિયાદી રાજેશ મદનલાલ અગ્રવાલ પાસેથી આરોપી જગદીશ પ્રવીણભાઈ જાેષીએ કુલ રૂા. ૩૧ લાખ રોકડ સ્વરૂપે હાથ ઉછીના લીધા હતા, જેની સામે જગદીશભાઈએ ૧૦.૫૦ લાખના બે અને ૧૦ લાખનો એક એમ કુલ ત્રણ ચેક ફરિયાદીનાં નામે આપ્યા હતા. આ ચેક પરત થતાં તેની સામે કાનૂની કાર્યવાહી હાથ ધરાઈ હતી.ગાંધીધામના અધિક ચીફ.જ્યુડી.જજ એમ.બી.પરમાર સમક્ષ આ કેસ ચાલી ગયો હતો. આ કેસમાં ફરિયાદપક્ષ હકિકત પુરવારમાં નિષ્ફળ નીવડતા અદાલતે આરોપીને નિર્દોષ છોડી મૂકવા ચુકાદો આપ્યો હતો. આ કેસમાં આરોપી પક્ષે ધારાશાત્રી દિનેશ જાેબનપુત્રા, ડી.એસ. શર્મા, સતીષ ચૌધરી હાજર રહ્યા હતા.
ડીઝલ ખરીદ્યા બાદ રૂપિયા ન આપનાર આરોપીને એક વર્ષની કેદ
એક કેસની હકીકત એવી છે કે ફરીયાદી ઉષા પેટ્રોલીયમના પ્રોપરાઈટર ચંદેશ કાંતીભાઈ આચાર્ય જે મીઠીરોહરમાં પેટ્રોલ પંપ ધરાવે છે, તેઓ પાસેથી આરોપી લિકેશ દામજીભાઈ મોમાયા જે એચ.એલ બલ્ક કેરીયરના પ્રોપરાઈટર છે. તેઓએ ડીઝલ ખરીદી પેટે બાકી નીકળતી રકમની ચુકવણી અર્થે અલગ અલગ બે ચેક ફરીયાદીને આપેલ હતા. આ ચેક પરત થતા તેમની સામે કાનુની કાર્યવાહી હાથ ધરાઈ હતી. આ કેસ ગાંધીધામના અધિક ચીફ.જ્યુડી.જજ પી.કે.વ્યાસ સમક્ષ ચાલી ગયો હતો. આ કેસમાં ફરીયાદીની ફરીયાદ, મૌખિક તથા દસ્તાવેજી પુરાવાને ધ્યાને લઈ અને ફરીયાદીનાં વકીલ દિનેશભાઈ જાેબનપુત્રાની દલીલોને ધ્યાનમાં લઈને આરોપીને એક વર્ષની કેદ અને ચેકની દોઢી રકમ રૂપિયા ૧ર,૩ર,રર૯ ફરીયાદીને વળતર તરીકે ચુકવવાનો હુકમ કર્યો હતો. આ કેસમાં ફરીયાદીના વકીલ તરીકે દિનેશ જાેબનપુત્રા, સતીષ ચૌધરી, કલ્પેશ પુજારા હાજર રહ્યાં હતા.