ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગઈકાલે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી લૂંટ અને જીવલેણ હુમલાની ઘટનામાં પૂર્વ કચ્છ, ગાંધીધામ પોલીસે ગણતરીના કલાકોમાં જ ત્રણ આરોપીઓને ઝડપી પાડી પ્રશંસનીય કામગીરી કરી છે. આ ઘટનામાં ફરિયાદી રાજુભાઈ રસિકભાઈ ઠક્કર પર રૂપિયા ૧૨ લાખની લૂંટના ઈરાદે છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.
ઘટનાની વિગત: ગઈકાલે રાજુભાઈ ઠક્કર પોતાની દુકાને જઈ રહ્યા હતા ત્યારે બે અજાણ્યા ઈસમોએ હાઈવે પર પોતાની બલેનો કાર ઊભી રાખી તેમની પાસેથી રોકડ રૂપિયા ભરેલો બેગ લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. લૂંટનો પ્રયાસ નિષ્ફળ જતાં આરોપીઓએ રાજુભાઈ પર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. આસપાસના દુકાનદારો આવી જતાં આરોપીઓ પોતાની બલેનો કારમાં નાસી છૂટ્યા હતા. આ ઘટના અંગે એ ડિવિઝન ગાંધીધામ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
પોલીસની તાત્કાલિક કાર્યવાહી: ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, સરહદી રેન્જ ભુજ અને પોલીસ અધિક્ષક સાગર બાગમાર, પૂર્વ કચ્છ, ગાંધીધામ દ્વારા ગુનેગારોને સત્વરે શોધી કાઢવા ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી (અંજાર વિભાગ)ના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં નાકાબંધી કરવામાં આવી હતી. એન.એન. ચુડાસમા, પોલીસ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી., પૂર્વ-કચ્છ ગાંધીધામની આગેવાની હેઠળ એલ.સી.બી., ગાંધીધામ એ ડિવિઝન અને ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમોએ અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી. સી.સી.ટી.વી. ફૂટેજ ચેક કરતા આરોપીઓ બ્લુ કલરની બલેનો કારમાં માળીયા તરફ નાસી ગયા હોવાનું જણાઈ આવ્યું હતું.
આરોપીઓની ધરપકડ અને મુદ્દામાલ: પોલીસ ટીમોએ સામખ્યારી-માળીયા હાઈવે પર સતત વોચ ગોઠવી હતી. આ દરમિયાન, બ્લુ કલરની બલેનો કાર આવતા તેને કોર્ડન કરીને રોકી લેવામાં આવી હતી અને તેમાંથી ૧. અબ્દુલ ઉર્ફે ગુરખો આમદભાઈ સોઢા (ઉ.વ. ૨૭, રહે. મીઠીરોહર, તા. ગાંધીધામ) – (છરી સાથે ફરિયાદી પર હુમલો કરનાર) ૨. અસલમ ઉર્ફે ઈકબાલ ઉર્ફે ખિસકોલી હારૂન કેવર (ઉ.વ.૨૫, રહે. મીઠીરોહર, તા.ગાંધીધામ) – (છરી સાથે ફરિયાદી પર હુમલો કરનાર) ૩. મામદ ઉર્ફે ઘોડો બાવલાભાઈ મથડા (ઉ.વ.૨૧, રહે. મીઠાપોર્ટ જુના કંડલા, તા.ગાંધીધામ) – (બલેનો કાર ચલાવનાર)ને ઝડપી પાડવામાં આવ્યા હતા.
પૂછપરછ દરમિયાન આરોપીઓએ લૂંટના ઈરાદે આ ગુનો આચર્યો હોવાની કબૂલાત આપી હતી. પોલીસે મારૂતિ બલેનો કાર (નં. જીજે-૧૨-ઈઈ-૮૫૩૧) કિ.રૂ. ૫,૦૦,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
ગુનાની મોડસ ઓપરેન્ડી અને ગુનાહિત ઇતિહાસ: આરોપીઓએ સોશિયલ મીડિયા પર લૂંટનો વિડીયો જોઈને આ ગુનો કરવાનો પ્લાન બનાવ્યો હતો. ફરિયાદી રાજુભાઈ ઠક્કર મની ટ્રાન્સફરનો વ્યવસાય કરતા હોવાથી મોટી રકમની હેરફેર કરતા હોવાની જાણ આરોપીઓને હતી. અગાઉ પણ ફરિયાદી પર લૂંટનો પ્રયાસ થયો હોવાથી આરોપીઓએ છેલ્લા એક અઠવાડિયાથી ફરિયાદીની રેકી કરી હતી અને સોમવારે વધુ રોકડ હેરફેર થતી હોવાનું જાણીને આ ગુનાને અંજામ આપ્યો હતો. ગુનો આચર્યા બાદ તેઓ કચ્છ બહાર નાસી છૂટવાની ફિરાકમાં હતા.
આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પણ નોંધપાત્ર છે:
૧. અબ્દુલ ઉર્ફે ગુરખો આમદભાઈ સોઢા:
- ગાંધીધામ બી. ડિવિઝન પો.સ્ટે. ગુ.ર.નં. ૦૧૭૮/૨૦૨૫ બી.એન.એસ. કલમ ૩૦૫, ૫૪
- ગાંધીધામ બી. ડિવિઝન પો.સ્ટે. ગુ.ર.નં. ૦૦૬૬/૧૯ જી.પી.એક્ટ ૧૩૫
- અંજાર પો.સ્ટે. ગુ.ર.નં. ૦૪૬૮/૨૩ ગુનો ઈ.પી.કો. કલમ. ૩૨૩, ૩૯૪, ૩૬૫, ૧૨૦(બી) તથા જી.પી.એક્ટ ક.૧૩૫ મુજબ
- કંડલા મરીન પો.સ્ટે. ગુ.ર.નં. ૧૬૪/૨૨ ઈ.પી.કો. ક.૩૯૪, ૩૯૮, ૩૪, જી.પી.એક્ટ.૧૩૫
૨. મામદ ઉર્ફે ઘોડો બાવલાભાઈ મથડા:
- ભચાઉ પો.સ્ટે. ગુ.ર.નં. ૦૫૬૧/૨૩ ઈ.પી.કો. ક.૩૯૨, ૩૯૭, ૩૯૪ વિ.
- કંડલા મરીન પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૩/૨૩ ઈ.પી.કો. ક. ૩૭૫, ૩૮૭, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૨૩, ૫૦૬(૨) ૨૯૪(ખ) જી.પી.એક્ટ.૧૩૫ મુજબ
- અંજાર પો.સ્ટે. ગુ.ર.નં. ૦૭૦૦/૨૦૨૪ ઈ.પી.કો. ૩૯૨, ૩૯૭, ૧૨૦ (બી)
આ સફળ કામગીરીમાં નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી (અંજાર વિભાગ), લોકલ ક્રાઈમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ્પેક્ટર એન.એન. ચુડાસમા, પોલીસ ઇન્સ્પેક્ટર એમ.ડી. ચૌધરી (ગાંધીધામ એ ડિવિઝન પો.સ્ટે.), પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી. ગોજીયા (ગાંધીધામ બી ડિવિઝન પો.સ્ટે.), પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.જી. પટેલ (એલ.સી.બી.), એલ.સી.બી. સ્ટાફ અને ગાંધીધામ એ ડિવિઝન તથા ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટાફનો મુખ્ય ફાળો રહ્યો છે. આ કાર્યવાહીથી ગુનેગારોમાં પોલીસનો ડર વધશે અને સામાન્ય નાગરિકોમાં સુરક્ષાની ભાવના મજબૂત બનશે.