ગાંધીધામમાં રસ્તાઓની બિસ્માર હાલત, પ્રજા પરેશાન

  • વરસાદ બાદ ઠેર ઠેર ખાડા, ગટર ઉભરાતા રોષ

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામ શહેરને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યાને આઠ મહિના વીતી ગયા હોવા છતાં, શહેરના નાગરિકોને પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહેવું પડી રહ્યું છે. તાજેતરમાં પડેલા વરસાદ બાદ પરિસ્થિતિ વધુ વણસી છે. સ્થાનિક કોંગ્રેસ દ્વારા કમિશ્નરશ્રીને આવેદનપત્ર આપીને વિવિધ મુદ્દે રજૂઆત કરવામાં આવી છે. જેમાં મુખ્યત્વે રસ્તાઓની બિસ્માર હાલત, ગટરની સમસ્યા, અને અપૂરતી સફાઈનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

રસ્તાઓ પર ખાડા અને વાહનચાલકોની હાલાકી

આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, વરસાદના કારણે ગાંધીધામના મોટાભાગના રસ્તાઓ પર મોટા ખાડા પડી ગયા છે. જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નાના-મોટા અકસ્માતો અને વાહનોને નુકસાન થવાના કિસ્સા પણ વધી રહ્યા છે. ભારતનગર, નવી સુંદરપુરી, અને કિડાણા જેવા વિસ્તારોમાં રસ્તાઓની સ્થિતિ અત્યંત ખરાબ છે. નવી સુંદરપુરીથી ઓમ સિનેપ્લેક્સ સુધીનો 85 લાખના ખર્ચે બનેલો રોડ પણ વરસાદમાં ધોવાઈ ગયો છે, જે રોડના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો સ્પષ્ટ સંકેત આપે છે.

Advertisements

ગટર અને સફાઈ વ્યવસ્થાની પોલ ખુલી

શહેરના અનેક વિસ્તારોમાં ગટરલાઈન ચોક-અપ થવાથી ગંદા પાણી ઉભરાઈ રહ્યા છે. ભારતનગર, ખોડિયારનગર, જ્હોન્સપોર્ટનગર, અને સુંદરપુરી જેવા વિસ્તારોમાં હજુ પણ વરસાદી પાણીનો નિકાલ થયો નથી. આદિપુર મણીનગર, ગણેશનગર જેવી ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં સફાઈ બિલકુલ થતી નથી, અને ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શનની ગાડી અઠવાડિયામાં માત્ર એક જ વખત આવે છે. લોકો પાસેથી સફાઈ વેરો વસૂલવામાં આવતો હોવા છતાં સફાઈના નામે શૂન્ય કામગીરી થઈ રહી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

સ્ટ્રીટ લાઈટ અને બગીચાઓની દુર્દશા

શહેરના મોટાભાગના વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં છે, જેના કારણે રાત્રે અંધારપટ છવાઈ જાય છે. આ અંધારાનો લાભ લઈને અસામાજિક તત્વો ચોરી અને લૂંટફાટ જેવી ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. આ ઉપરાંત, ખુલ્લા પ્લોટોમાં ઉગી નીકળેલી બાવળની ઝાડીઓ પણ ગુનાખોરીને પ્રોત્સાહન આપી રહી છે. બગીચાઓની સ્થિતિ પણ અત્યંત ખરાબ છે. અનેક બગીચા અસામાજિક તત્વોના અડ્ડા બની ગયા છે.

Advertisements

‘રોડ-રસ્તા નહીં તો ટેક્સ પણ નહીં’

ગાંધીધામ શહેર કોંગ્રેસના પ્રમુખ ભરત ગુપ્તા અને ગાંધીધામ તાલુકા કોંગ્રેસના પ્રમુખ દેવેન્દ્રસિંહ ઝાલાએ ચેતવણી આપી છે કે જો આ સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ નહીં આવે તો જન આંદોલન સહિતના કાર્યક્રમો યોજવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી મહાનગરપાલિકાની રહેશે. લોકોમાં “રોડ-રસ્તા નહીં તો ટેક્સ પણ નહીં” નું સૂત્ર ગુંજી રહ્યું છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Submit Comment