ગાંધીધામના ટાગોર રોડ પરનો ફ્લાયઓવર બન્યો આકર્ષણનું કેન્દ્ર

ગાંધીધામના ટાગોર રોડ પરનો ફ્લાયઓવર બન્યો આકર્ષણનું કેન્દ્ર ગાંધીધામના ટાગોર રોડ પરનો ફ્લાયઓવર બન્યો આકર્ષણનું કેન્દ્ર

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામ અને આદિપુરને જોડતા, 24 કલાક ધમધમતા ટાગોર રોડ પરના ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે આશરે ₹32 કરોડના ખર્ચે એક ભવ્ય ફ્લાયઓવર બનાવવામાં આવ્યો છે. આ ફ્લાયઓવર કાર્યરત થતાં જ વિસ્તારમાં અવરજવર સુગમ બની છે.

વળી, આ ફ્લાયઓવરની સુંદરતામાં વધારો કરવા માટે સોનામાં સુગંધ ભળી હોય તેવું કામ હાથ ધરાયું છે. મહિલા ધારાસભ્યને મળતી વિશેષ ગ્રાન્ટમાંથી ₹1.25 કરોડના ખર્ચે હાલ ડો. બાબાસાહેબ આંબેડકર સર્કલ તેમજ ઓવરબ્રિજની બંને તરફની દીવાલોને કલાત્મક રીતે શણગારવામાં આવી રહી છે.

ચિત્રકારોની પાંચથી વધુ ટીમો આ દીવાલો પર કચ્છની આગવી ઓળખ દર્શાવતા ચિત્રો કંડારી રહી છે. ગાંધીધામના માલતીબેન મહેશ્વરીએ આ પ્રોજેક્ટમાં અંગત રસ લઈને ડો. આંબેડકર સર્કલ અને ઓવરબ્રિજની દીવાલોના શણગારમાં ધ્યાન આપ્યું છે. તેમના પ્રયાસોથી કચ્છની રોગાન આર્ટ, હસ્તકલા, સફેદ રણ, કંડલા પોર્ટ, ગરબા, ઘુડખર અને ફ્લેમિંગો જેવા વિષયો પરના ચિત્રોથી સર્કલ અને ઓવરબ્રિજ અત્યંત નયનરમ્ય લાગી રહ્યા છે.

શહેરના હૃદયસમા આ ડો. આંબેડકર સર્કલ અને ફ્લાયઓવરના આ અદભૂત શણગારથી એક અલગ જ નજારો જોવા મળી રહ્યો છે, જે સ્થાનિકો અને મુલાકાતીઓ બંને માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *