ગાંધીધામ ટુડે, ન્યૂઝ: રાપર તાલુકાના ગાગોદર ગામે હાઈવે પટ્ટી પર આવેલી સરકારી પડતર જમીન પર કરાયેલું ગેરકાયદે દબાણ ગાગોદર પોલીસ, મહેસૂલ વિભાગ અને ગ્રામ પંચાયત દ્વારા સંયુક્ત કાર્યવાહીમાં દૂર કરવામાં આવ્યું છે.
અસામાજિક તત્ત્વનું દબાણ: ગાગોદર, તા. રાપર, કચ્છના રહેવાસી અને અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા શખ્સ વાસુદેવસિંહ ઉર્ફે વાસુભા અજીતસિંહ જાડેજાએ ગાગોદર ગામની સરકારી જમીનમાં ગેરકાયદેસર રીતે બોક્સમાં ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવી તેના પર કબજો જમાવ્યો હતો. આ સ્થળનો ઉપયોગ અસામાજિક તત્ત્વો દ્વારા થતો હોવાનું ધ્યાને આવ્યું હતું.
બુલડોઝર ફેરવી ૯૩૦ ચો.મી. જમીન મુક્ત કરાઈ: પોલીસ અને મહેસૂલ વિભાગે કાયદેસરની કાર્યવાહીના ભાગરૂપે આ ગેરકાયદેસર બોક્સ અને અન્ય બાંધકામને તોડી પાડી બુલડોઝર ફેરવ્યું હતું. કુલ ૯૩૦ ચોરસ મીટર વિસ્તારમાં થયેલું દબાણ દૂર કરવામાં આવ્યું હતું.
આરોપીનો ગુનાહિત ઇતિહાસ: આ કાર્યવાહી ગાગોદર પીઆઈ વી.એ. સેગલ અને પોલીસ કર્મચારીઓની હાજરીમાં કરવામાં આવી હતી. દબાણ કરનાર આરોપી વાસુદેવસિંહ ઉર્ફે વાસુભા અજીતસિંહ જાડેજા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેની સામે આડેસર, મોરબી તાલુકા, ગાગોદર અને સામખીયારી પોલીસ સ્ટેશનોમાં વિવિધ ગુનાઓ નોંધાયેલા છે.