ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગુજરાત પોલીસની સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે એક મોટી સફળતા હાંસલ કરી છે. ગુજરાતના અત્યાર સુધીના સૌથી મોટા ₹2323 કરોડથી વધુના માધુપુરા ક્રિકેટ સટ્ટાકાંડના મુખ્ય સૂત્રધાર હર્ષિત જૈનને દુબઈથી ઝડપી પાડવામાં આવ્યો છે. SMCના DIG નિર્લિપ્ત રાય અને તેમની ટીમે આ ઓપરેશન પાર પાડીને હર્ષિત જૈનને આજે અમદાવાદ લાવવામાં આવ્યો છે.
આ સટ્ટાકાંડમાં હર્ષિત જૈન સામે લુકઆઉટ સર્ક્યુલર અને રેડ કોર્નર નોટિસ પણ ઇશ્યૂ કરવામાં આવી હતી. દુબઈ પોલીસે તેને શોધી કાઢ્યા બાદ SMC સાથેના સંકલનથી તેને ભારત ડિપોર્ટ કરવામાં આવ્યો છે. અમદાવાદ એરપોર્ટ પરથી હર્ષિતને સીધો SMCની ઓફિસે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેની પૂછપરછ શરૂ કરવામાં આવી છે.
કેવી રીતે આખું ઓપરેશન પાર પડ્યું?
This Article Includes
માસ્ટર આઈડી મેળવીને આ મોટા રેકેટને ચલાવનાર હર્ષિત બાબુલાલ જૈન પોલીસથી બચવા માટે નાસતો-ફરતો હતો. કોર્ટે તેની સામે CRPC કલમ-70 મુજબનું વોરંટ બહાર પાડ્યું હતું. પોલીસને માહિતી મળી હતી કે તે વિદેશ ભાગી ગયો છે, જેના આધારે 21 એપ્રિલ, 2023ના રોજ તેની સામે લુકઆઉટ સર્ક્યુલર ઇશ્યૂ કરવામાં આવ્યો હતો.
ત્યારબાદ, ભારત સરકાર મારફતે ઇન્ટરપોલને વિનંતી કરવામાં આવી, અને 9 ઓગસ્ટ, 2023ના રોજ તેની વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ (RCN) જારી કરવામાં આવી. આ નોટિસના આધારે, યુનાઈટેડ આરબ અમીરાત (UAE) પોલીસે દુબઈમાં હર્ષિત જૈનનું લોકેશન ટ્રેસ કર્યું. ગુજરાતના ગૃહ વિભાગ દ્વારા મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ અને મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સના માધ્યમથી દુબઈ ઓથોરિટીને પ્રત્યાર્પણ માટેની વિનંતી મોકલવામાં આવી હતી. આ કાર્યવાહીના પરિણામે, દુબઈ ઓથોરિટીએ હર્ષિતની ધરપકડ કરી અને 5 સપ્ટેમ્બર, 2025ના રોજ તેને ભારત ડિપોર્ટ કર્યો.
₹2323 કરોડનો સટ્ટાકાંડ અને ₹9.62 કરોડ ફ્રીઝ
આ કેસની તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે કે ખોટા અને નકલી દસ્તાવેજોના આધારે બનાવવામાં આવેલી ડમી કંપનીઓ અને વ્યક્તિઓના નામે કુલ ₹2323 કરોડ, 14 લાખ, 7 હજાર, 832ના વ્યવહારો થયા છે. તેમાંથી, 481 બેંક ખાતાઓમાં જમા થયેલા કુલ ₹9 કરોડ, 62 લાખ, 33 હજાર, 149 ફ્રીઝ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, 1507 બેનિફિશિયરી એકાઉન્ટ્સ અને ડેબિટ કાર્ડ સાથે લિંક થયેલા 139 એકાઉન્ટ્સ પણ ફ્રીઝ કરવામાં આવ્યા છે.
અત્યાર સુધીમાં, આ કેસમાં 37 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં 8 લુકઆઉટ સર્ક્યુલર, 3 રેડ કોર્નર નોટિસ, 2 પ્રોવિઝનલ એરેસ્ટ રિક્વેસ્ટ, અને 2 પ્રત્યાર્પણની કાર્યવાહી પણ કરવામાં આવી છે.
શું છે આખો મામલો?
આ સટ્ટાકાંડનો પર્દાફાશ 28 માર્ચ, 2023ના રોજ અમદાવાદ પીસીબીએ કર્યો હતો. પીસીબીને માહિતી મળી હતી કે કેટલીક કંપનીઓના ખાતામાં કરોડોના ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા છે, જે સામાન્ય વ્યક્તિના ખાતામાંથી આવી રહ્યા છે અને તેનો ઉપયોગ સટ્ટા માટે થાય છે. આ માહિતીના આધારે, અમદાવાદના માધુપુરામાં આવેલા સુમિલ કોમ્પ્લેક્સમાં દરોડા પાડવામાં આવ્યા હતા.
રેડ દરમિયાન પોલીસે 7 મોબાઈલ, 3 લેપટોપ, 536 ચેકબુક, 538 ડેબિટ કાર્ડ, 14 પીઓએસ મશીન, 193 સિમકાર્ડ, 7 પાનકાર્ડ અને 83 કંપનીઓના સિક્કા સહિત કુલ ₹3.38 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આ રેકેટમાં cricketbet9.com, skyexchange.com, abexch.com, diamondexch9.com, betbl247.com, khalifabook, radhebook, mahadevbook, annakrishnabook અને CBTF જેવી ગેરકાયદે ઓનલાઈન સટ્ટાની એપ્લિકેશનનો ઉપયોગ થતો હતો. આ સટ્ટાકાંડનો માસ્ટરમાઇન્ડ દીપક ઠક્કર હતો, જેને સપ્ટેમ્બર-2024માં SMCની ટીમે દુબઈથી પકડ્યો હતો.
હર્ષિત જૈન અને દીપક ઠક્કરનું કનેક્શન
તપાસમાં ખુલાસો થયો છે કે આ સટ્ટાકાંડનું મુખ્ય સંચાલન વેલોસિટી સર્વર અને મેટાટ્રેડર નામની એપ્લિકેશન દ્વારા થતું હતું. મેટાટ્રેડર એ ડબ્બા ટ્રેડિંગ પ્લેટફોર્મ છે, જેમાં એક વ્યક્તિ સંચાલક તરીકે કામ કરે છે અને અન્ય ઘણા લોકો સટ્ટો રમે છે. આ માસ્ટર આઈડીની આખી ચેનલ બનાવવામાં આવી હતી, જેમાં એજન્ટો દ્વારા નવા લોકોને જોડવામાં આવતા હતા.
હર્ષિત જૈને આ જ માસ્ટર આઈડી દીપક ઠક્કર પાસેથી લીધી હતી. તેના દ્વારા જ ₹2300 કરોડથી વધુના વ્યવહારો થયા હતા. પોલીસના જણાવ્યા મુજબ, હર્ષિત જેવી માસ્ટર આઈડી અન્ય 500 લોકો પાસે પણ હોઈ શકે છે. આ રેકેટ મહાવીર એન્ટરપ્રાઇઝના નામે હર્ષિત જૈન દ્વારા ચલાવવામાં આવતું હતું.
આ કેસના તાર ભારતના સૌથી મોટા બુકી સૌરભ ચંદ્રાકર સુધી પહોંચ્યા છે. સૌરભ ચંદ્રાકર દુબઈથી મહાદેવ બુકીના નામે સૌથી મોટું સટ્ટા નેટવર્ક ચલાવે છે. હર્ષિત જૈનની ધરપકડ બાદ હવે પોલીસ સૌરભ ચંદ્રાકર અને અન્ય આરોપીઓ જેવા કે અમિત મજેઠિયા પર પણ સકંજો કસશે.
હર્ષિત જૈનની ધરપકડ એ સ્ટેટ મોનિટરિંગ સેલ માટે એક મોટી સિદ્ધિ છે. આ કેસની વધુ તપાસમાં નવા ખુલાસાઓ થવાની અને વધુ આરોપીઓ પકડાવાની શક્યતા છે.