ગાંધીધામ ટુડે, ન્યૂઝ : પ્રેમલગ્ન કરનાર એક ૨૨ વર્ષીય યુવતીને મહારાષ્ટ્રથી ભચાઉ લાવીને વેચી દેવાનો અને તેના પર અમાનવીય અત્યાચાર ગુજારવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સદનસીબે, ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈનની ટીમે યુવતીને બચાવી સુરક્ષિત રીતે તેના પતિ પાસે પરત મોકલી આપી છે.
પડોશીએ કરી ફરિયાદ
This Article Includes
ભચાઉ તાલુકાના એક ગામમાં એક પરિવાર દ્વારા યુવતીને છેલ્લા એક મહિનાથી ઘરના એક રૂમમાં પૂરી રાખી મારકૂટ કરવામાં આવતી હતી. આ અંગે પડોશમાં રહેતા એક જાગૃત નાગરિકે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈનને જાણ કરી હતી. કાઉન્સેલર નિરૂપા બારડ અને મહિલા પોલીસ કોન્સ્ટેબલ ચંદ્રિકાબેન ઠાકોર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં.
એક મહિનાથી રૂમમાં પૂરી રખાઈ હતી
જ્યારે અભયમની ટીમ યુવતીને બંધક બનાવવામાં આવી હતી તે ઘરમાં પહોંચી, ત્યારે પરિવારજનોએ શરૂઆતમાં કોઈ યુવતીને બંધક બનાવવાનો ઇનકાર કર્યો હતો. જોકે, ૧૮૧ ટીમે કાયદાકીય કડકાઈથી વાત કરતાં, તેમણે રૂમમાં બંધ યુવતીને બહાર કાઢી. યુવતી અત્યંત ભયભીત હતી. અભયમની ટીમે તેને સહાનુભૂતિ આપી અને સંપૂર્ણ મદદની ખાતરી આપ્યા બાદ કાઉન્સેલિંગ કર્યું. યુવતીએ જે હકીકત જણાવી તે સાંભળીને સૌ ચોંકી ઉઠ્યાં.
સગાં માતા-પિતાએ દીકરીને દલાલ મારફતે વેચી!
સંગીતા (નામ બદલેલું છે) નામની યુવતીએ જણાવ્યું કે તે બે દિવસથી ભૂખી હતી. તે મહારાષ્ટ્રની રહેવાસી છે અને થોડા સમય પહેલાં જ તેણે મહારાષ્ટ્રમાં પોતાના માતા-પિતાની મરજી વિરુદ્ધ એક યુવક સાથે પ્રેમલગ્ન કર્યા હતા. લગ્ન કર્યાના થોડા સમય બાદ તે પિયર આવી હતી. ત્યારે તેના સગા માતા-પિતાએ જ દલાલ મારફતે ૨ લાખ રૂપિયા લઈને તેને ભચાઉના આ ગામમાં લગ્નના નામે બળજબરીથી વેચી દીધી હતી. યુવતીએ પૈસા આપીને તેને ખરીદનાર કહેવાતા પતિ અને સાસરિયાને બધી સાચી વાત જણાવી.
સંગીતા પર ગુજારાયો અત્યાચાર
સંગીતાના પ્રથમ પ્રેમલગ્નના કાયદેસર છૂટાછેડા થયા નહોતા. પૈસા ચૂકવીને ખરીદી કરનાર બીજા પતિ અને તેના પરિવારને ડર લાગ્યો કે સંગીતા લાગ જોઈને તેના પહેલા પતિ સાથે ભાગી જશે. આથી, તેમણે સંગીતાને ઘરના એક રૂમમાં બંધ કરી દીધી. માતા-પિતાએ કરેલા સોદાની સજા સંગીતાને મળવાની શરૂ થઈ. પતિ અને સાસરિયા તેને માંડ ખાવાનું આપતા અને આખો દિવસ મારકૂટ તથા શારીરિક અત્યાચાર ગુજારતા હતા.
માતા-પિતાએ મદદ કરવાની ના પાડી
અભયમની ટીમે સંગીતાના માતા-પિતાનો સંપર્ક કરીને તેમની દીકરી પર ગુજારી રહેલા અત્યાચાર અંગે વાત કરી. પરંતુ, કળિયુગી માતા-પિતાએ કોઈ પણ લાગણી દર્શાવ્યા વિના ટીમને જણાવી દીધું કે, “સંગીતા અમારી દીકરી નથી, તેને મારી નાખો.”
પહેલો પતિ અપનાવવા તૈયાર થયો
અભયમની કાર્યવાહીના પગલે બીજા પતિ અને સાસરિયાએ પણ સંગીતાને રાખવાનો ઇનકાર કરતા જણાવ્યું કે, “અમને તેના પહેલાં લગ્નની જાણ નહોતી, હવે અમે તેને રાખશું નહીં.” સંગીતાને મુક્ત કરાવનાર અભયમની ટીમ મૂંઝવણમાં મુકાઈ ગઈ. બાદમાં સંગીતા પાસેથી તેના પહેલા પતિનો નંબર લઈને તેમનો સંપર્ક કરવામાં આવ્યો. પહેલા પતિને સંગીતાના ખરીદ-વેચાણ અને બીજા પતિએ ગુજારેલા અત્યાચાર અંગે બધી વાત કરવામાં આવી. સંગીતા સાથે થયેલા અત્યાચારથી પહેલો પતિ દ્રવી ઉઠ્યો. તેણે અભયમની ટીમને જણાવ્યું કે, “મારી સંગીતાને મારી પાસે મોકલી આપો, હું તેને જીવનભર પત્ની તરીકે રાખવા તૈયાર છું.”
મહારાષ્ટ્ર પહોંચી સંગીતાએ માન્યો આભાર
અભયમની ટીમ સંગીતાને પોતાની સાથે લઈ આવી. સૌપ્રથમ, બે દિવસથી ભૂખી રહેલી સંગીતાને પેટ ભરીને ભોજન કરાવ્યું. તાત્કાલિક તેને મહારાષ્ટ્ર પરત મોકલવા માટે ટ્રેનની ટિકિટ બુક કરાવી. ટ્રેનમાં સુરક્ષિત રીતે બેસાડીને જરૂરી નાસ્તો પણ લઈ આપ્યો. નિરૂપાબેને પોતાના અંગત પૈસામાંથી તેને વાપરવા માટે થોડા રૂપિયા પણ આપ્યા. સંગીતા સુરક્ષિત રીતે તેના પ્રથમ પતિ પાસે પહોંચી ગઈ. પતિ પાસે પહોંચ્યા બાદ બંનેએ વીડિયો કૉલ કરીને અભયમનો હૃદયપૂર્વક આભાર માન્યો.
ગુનેગારો કાયદાની જાળમાંથી છટકી ગયા
સંગીતા પર ગુજારાયેલા અત્યાચારની ઘટનાનો સુખદ અંત આવ્યો છે, પરંતુ અફસોસની વાત એ છે કે તેને એક માસ સુધી બંધક બનાવી અત્યાચાર ગુજારનાર ભચાઉના એ નિર્દયી પતિ, સાસરિયા અને સંગીતાના માતા-પિતા કાયદાની જાળમાંથી છટકી ગયા છે. કાયદા મુજબ, કોઈ પણ સ્ત્રીની મરજી વિરુદ્ધ તેનું ખરીદ-વેચાણ કરવું, બંધક બનાવી મારકૂટ કરવી એ હ્યુમન ટ્રાફિકિંગ સહિતની કલમો હેઠળ ગંભીર અપરાધ બને છે. આ કિસ્સામાં અભયમની ટીમે કાયદેસર કાર્યવાહી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સંગીતાએ કોઈ પણ પ્રકારની ફોજદારી ફરિયાદ નોંધાવવાનો સતત ઇનકાર કર્યો હતો.gand