ગાંધીધામ ટુડે, ન્યૂઝ : પૂર્વ કચ્છ એલસીબીએ આજે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. આદિપુરના અંતરજાળ વિસ્તારમાં રહેતા વીપ્ર પરિવારના ઘરમાં થયેલી ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી કાઢવામાં આવ્યો છે. લોકલ ક્રાઈમ બ્રાન્ચે ટેક્નિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે કાર્યવાહી કરીને આરોપી મહિલાની રોકડા રકમ સહિત ધરપકડ કરી છે.
મળતી માહિતી અનુસાર, પાતળીયા હનુમાન મંદિર નજીક પુજાપાનો સામાન વેચતા દુકાનદાર ગંગેશ્વર કરૂણાશંકર પંડ્યાના ઘરમાં તસ્કરો તાળુ ખોલી અંદર પ્રવેશી રોકડા રૂપિયા ચોરી ગયા હતા. ફરિયાદ નોંધાવ્યા બાદ પૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાંચે ઘટનાઓની ગંભીરતા ધ્યાનમાં રાખીને જુદી જુદી ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી.
તપાસ દરમિયાન ટેક્નિકલ માહિતી અને સીસીટીવી ફૂટેજના આધારે ફરિયાદીના ઘરની સામે રહેતી જલ્પાબેન યોગેશભાઈ પટેલ (ઉ.વ. ૩૭), નિવાસી સુદામાપુરી, અંતરજાળને શંકાસ્પદ તરીકે પકડી લેવાઈ. પૂછપરછ દરમિયાન મહિલાએ ચોરીની કબૂલાત આપતાં પોલીસે રોકડા રૂ. ૧૮,૧૪,૦૦૦ તથા રૂ. ૫,૦૦૦નો મોબાઈલ મળીને કુલ રુ. ૧૮,૧૯,૦૦૦નો મુદામાલ કબ્જે કર્યો હતો.
આ સમગ્ર કામગીરીમાં એલસીબી પીઆઈ એન.એન. ચુડાસમા, પીએસઆઈ ડી.જી. પટેલ તથા એલસીબીની ટીમે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. સ્થાનિક લોકોએ પણ એલસીબીની કામગીરીને બિરદાવતાં ચોરી જેવા ગુનાઓ સામે તાત્કાલિક કાર્યવાહી થતી રહે તે જરૂરી હોવાનું જણાવ્યું છે.