ગાંધીધામ ટુડે, ન્યૂઝ : લોકલ ક્રાઈમ બ્રાન્ચ (એલ.સી.બી.), પૂર્વ કચ્છ, ગાંધીધામની ટીમે સામખીયારી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પવનચક્કીમાંથી કોપર કેબલ વાયરની ચોરીનો ગુનો ઉકેલીને ચાર આરોપીની ધરપકડ કરી છે.
પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા, સરહદી રેન્જ ભુજ અને પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર, પૂર્વ કચ્છ, ગાંધીધામ દ્વારા મિલકત સંબંધી ગુનાઓ શોધવા અને અટકાવવા માટે આપેલી સૂચનાના પગલે એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર એન.એન. ચુડાસમાના નેતૃત્વ હેઠળ એલ.સી.બી. ટીમ પેટ્રોલિંગમાં હતી.
ટીમને બાતમી મળી હતી કે જંગી ગામની સીમમાં આવેલી પવનચક્કી નંબર એસ-૨૩ માંથી કોપર કેબલ વાયરની ચોરી થઈ છે અને ચોરાયેલો મુદ્દામાલ અલ્ટો કાર રજીસ્ટ્રેશન નંબર જીજે-૧૨-બીએફ-૮૦૭૦ માં ભરીને જંગી ગામથી છાડવાડા તરફ આવી રહ્યા છે.
એલ.સી.બી. ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને જણાવેલા સ્થળે જઈને પવનચક્કીના કોપર કેબલ વાયરના જથ્થા સાથે વેરશી પચાણભાઈ આહિર, ઉંમર ૪૪ વર્ષ, રહેવાસી વરીયાવાસ, જંગી, તાલુકો ભચાઉ, પ્રેમજી પચાણભાઈ આહિર, ઉંમર 39 વર્ષ, રહેવાસી વરીયાવાસ, જંગી, તાલુકો ભચાઉ, પોપટ પચાણભાઈ આહિર, ઉંમર ૪૦ વર્ષ, રહેવાસી ચાવડાવાસ, જંગી, તાલુકો ભચાઉ,
રામેશ્વર ઝુઝારસિંહ ખારોલ, ઉંમર ૩૫ વર્ષ, રહેવાસી વોંધ, તાલુકો ભચાઉ, અને મૂળ રહેવાસી ખારોલ ખેડા, તાલુકો મહીદપુર, જિલ્લો ઉજ્જૈન (મધ્ય પ્રદેશ)ને પકડી પાડ્યા હતા. પૂછપરછ દરમિયાન આરોપીઓ પાસેથી કોઇ બિલ કે આધાર પુરાવા મળી આવ્યા ન હતા, અને તેમણે સામખીયારી પોલીસ સ્ટેશન વિસ્તારના જંગી ગામની સીમમાં આવેલી પવનચક્કીમાંથી કોપર કેબલ વાયરની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે પવનચક્કીના કોપર વાયર કેબલ, વજન ૭૮ કિલોગ્રામ, કિંમત ₹ ૩૧,૨૦૦, અલ્ટો કાર રજી. નંબર જીજે-૧૨-બીએફ-૮૦૭૦, કિંમત ₹ ૨,૦૦,૦૦૦, મોબાઈલ ફોન નંગ-૩, કિંમત ₹ ૩૦,૦૦૦ સહિત કુલ કિંમત: ₹ ૨,૬૧,૨૦૦ નો મુદ્દામાલ કબજે કરી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીને આગળની કાર્યવાહી માટે સામખીયારી પોલીસ સ્ટેશનને સોંપ્યા છે.