ગાંધીધામ ટુડે, ન્યૂઝ : આ વર્ષે કચ્છની લોકપ્રિય કેસર કેરી લોકો સુધી મોડા અને ઓછી માત્રામાં પહોંચે તેવી સંભાવના છે. મુખ્ય કારણ એ છે કે કુદરતી વાતાવરણ આ વખતે બાગાયતી ખેતી માટે અનુકૂળ રહ્યું નથી. ખેડૂતોએ જણાવ્યું છે કે ફેબ્રુઆરીથી લઈ એપ્રિલ વચ્ચે જે રીતે માવઠું પડ્યું અને ત્યારબાદ તીવ્ર ગરમી પડી, તેનો કેસર કેરીના પાક ઉપર ગંભીર અસર જોવા મળી છે.
કચ્છના અનેક વિસ્તારોમાં માવઠા બાદ પડી રહેલી કાળઝાળ ગરમીના કારણે કેરીના ઝાડ ઉપર આવેલા મોર (ફૂલ) બળી ગયા છે. જેના કારણે કેસર કેરીનો ફાળ (ફળ) સમાન પ્રમાણમાં આવ્યો નથી. કેટલાક ખેડૂતો જણાવી રહ્યા છે કે આ વર્ષે કેસર કેરીના ઉત્પાદનમાં 60%થી 70% જેટલો ઘટાડો નોંધાઈ શકે છે. જે વિસ્તારમાં અગાઉ એક ઝાડ પરથી 20થી 35 કિલો કેરી મળતી હતી, ત્યાં હવે માત્ર 10થી 15 કિલો કેરી મળવાની શક્યતા છે.
કમોસમી વરસાદ પણ પાક માટે ખતરની ઘંટી સમાન સાબિત થયો છે. માવઠાની અસર હજુ પૂરતી ઠરી નથી ત્યાં ફરીથી વરસાદ પડવાની શક્યતાની વાત ખેડૂતો કરે છે. જો આવું બનશે તો ઝાડ ઉપરથી કાચી કે પાકી કેરીઓ પડી જશે અને નફો તો દૂર રહે પણ મોટું નુકસાન થવાની ભીતિ છે.
માધાપરના એક ખેડૂતે જણાવ્યું કે, સામાન્ય રીતે કેસર કેરી જૂનના પ્રથમ અઠવાડિયામાં બજારમાં આવતી હોય છે. પરંતુ આ વર્ષે જે તબક્કાવાર અસર પડી છે, એના લીધે કેરી મોડા બજારમાં આવશે અને ભાવ પણ ઊંચા રહેવાની શક્યતા છે. કારણ કે માંગ વધશે અને પૂરતો જથ્થો ઉપલબ્ધ ન હોવાથી કિંમત ઊંચી જઈ શકે છે.
આ પરિસ્થિતિમાં સરકારે ખેડૂતોને મદદરૂપ થવું જોઈએ અને પરિસ્થિતિના મુલ્યાંકન માટે કૃષિ વિભાગે તાત્કાલિક પગલાં લેવું જોઈએ. જેથી ખેતીમાં થયેલું નુકસાન ભરપાઈ શકે અને ખેડૂતોને રાહત મળે.