ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગુજરાત હાઇકોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીભર્યો ઇ-મેલ મળતાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ બની ગઈ છે. હાઇકોર્ટના અધિકૃત ઇ-મેલ પર અજાણ્યા શખ્સ દ્વારા આ ઈ-મેલ મોકલવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસે હાઇકોર્ટ પર ધસી જઈ કડક સુરક્ષા ચક્ર ગોઠવ્યું છે.
હાઇકોર્ટના દરવાજા તાત્કાલિક બંધ કરીને ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. અમદાવાદ અને ગાંધીનગર થી બોલાવવામાં આવેલી કુલ 6 બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્કવોડ (BDDS)ની ટીમો હાઇકોર્ટના આખા કેમ્પસમાં ચેકિંગ કાર્યમાં લાગી ગઈ છે. સાથે જ ફાયર બ્રિગેડની ગાડી પણ તાત્કાલિક હાઇકોર્ટ ખાતે પહોંચી ગઈ હતી.
હાઇકોર્ટના પ્રવેશદ્વાર બંધ, વાહનોનું ચેકિંગ શરુ
હાઇકોર્ટના ગેટ નં-5, જ્યાંથી સ્ટાફ પ્રવેશ કરે છે, તે બંધ કરી દેવામાં આવ્યો છે. તમામ વાહનોનું ચેકિંગ કરાયું છે. ટેકનિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સનો ઉપયોગ કરીને બિલ્ડિંગની સઘન તપાસ કરવામાં આવી રહી છે. DYSP કક્ષાના અધિકારીને ઘટના સ્થળે નિયુક્ત કરવામાં આવ્યા છે અને SRPની બે કંપનીઓ તૈનાત કરવામાં આવી છે.
કોર્ટની કાર્યવાહી લંચ બાદ મુલતવી
ઝોન-1ના ઇન્ચાર્જ DCP સફિન હસને જણાવ્યું કે સવારે 10:45 કલાકે મળેલા ધમકીભર્યા ઇ-મેલ બાદ હાઇકોર્ટના અધિકારીઓ, કલેક્ટર અને પોલીસ વચ્ચે મિટિંગ યોજાઈ હતી. સાવચેતીના પગલાં રૂપે લંચ બાદની તમામ કોર્ટ કાર્યવાહી મુલતવી રાખવાની સૂચના આપવામાં આવી છે. વકીલોએ પણ કોર્ટ ખાલી કરી છે.

હાલ સુધી કોઈ વિસ્ફોટક સામગ્રી મળી નથી
અધિકારીઓએ જણાવ્યું કે અત્યાર સુધીના ચેકિંગમાં કોઈ વિસ્ફોટક સામગ્રી મળી નથી. તેમ છતાં, “ગમે તેટલો સમય લાગશે, પણ કોઇ અઘટિત ઘટના ન બને તેનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.”
અગાઉ શાળાને પણ મળેલી હતી ધમકી
અગાઉ પણ અમદાવાદમાં IPL ફાઇનલ દરમિયાન જીનિવા લિબરલ સ્કૂલને ધમકીભર્યો ઈ-મેલ મળ્યો હતો. પોલીસે આ મામલાને ગંભીરતાથી લઈ તપાસ શરૂ કરી હતી. એવું મનાય છે કે તે ધમકી શાળાની કોઇ ફરિયાદમાંથી ધ્યાન વિખેરવાનો પ્રયાસ હતો.
પોલીસે ફરિયાદ નોંધાવી, તપાસ શરૂ કરી
હાઇકોર્ટ ધમકી મામલે પણ પોલીસ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. સાથે જ ACP, DCP અને સોલા પોલીસ સ્ટેશનના અધિકારીઓ ઘટનાસ્થળે હાજર રહી તપાસને આગળ ધપાવી રહ્યા છે.