ગાંધીધામ ટુડે, ન્યૂઝ : કચ્છ સહિત ગુજરાતમાં ડ્રગ્સની હેરફેર સાથે માદક પદાર્થ ગાંજાની હેરફેર પણ વધી છે. જેમાં પાછલા દિવસોમાં ધણા વિસ્તારોમાંથી મોટી માત્રામાં ગાંજાનો જથ્થો વિવિધ પોલીસે વિભાગોએ ઝડપ્યો છે તો ગાંજાના વાવેતરના પણ અનેક કિસ્સાઓ સામે આવ્યા છે ત્યારે અંજારમાં ગાંજાની હેરફેરનો કિસ્સો સામે આવવા પામ્યો છે.
અંજારના સિધ્ધેશ્વર તળાવની પાર ઉપર, ગંગાનાકા પાસે ત્રણ ઈસમો પોતાની કેબીન(ઝુંપડા)માં માદક પદાર્થ રાખી વેપલો કરતા હોવાની બાતમીના આધારે પૂર્વ કચ્છ સ્પેશિયલ ઓપરેશન ગૃપની ટીમે દરોડો પાડી ત્રણ જણાને રૂ. ૪૯ર૦ની કિંમતના ૪૯ર ગ્રામ ગાંજાના જથ્થા સાથે પકડી લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
એસઓજી પીઆઇ ડી.ડી.ઝાલાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, ડ્રગ્સ મુક્ત પૂર્વ કચ્છ મુહીમ અંતર્ગત ચાલી રહેલી કામગીરી દરમિયાન તેમને બાતમી મળી હતી કે, અંજારના સિધ્ધેશ્વર તળાવની પાર ઉપર, ગંગાનાકા પાસે આદમ ઉર્ફે અધુડો ઉર્ફે અધુ હારૂન બાફણ, અલ્લારખા જુસબ નોડે તથા મોહમદ અબ્દુલ કકલ પોતાની કેબીન(ઝુંપડા)માં માદક પદાર્થનો જથ્થો મગાવી વેપલો કરે છે. આ બાતમીના આધારે ઇન્વેસ્ટીગેશન કીટ તૈયાર કરી ટીમ સાથે તેમની કેબીન(ઝુંપડા)માં દરોડો પાડી તલાશી દરમિયાન ગાંજાે મળી આવ્યુ હતુ.
એસઓજીએ રૂ.૪૯ર૦ની કિંમતના ૪૯ર ગ્રામ ગાંજાના જથ્થા સાથે ત્રણેય આરોપીઓની અટક કરી ૧ મોટર સાયકલ, ૩ મોબાઈલ ફોન અને રોકડા ૪૧પ૦ સહિત કુલ ૧,ર૯,૦૭૦નો મુદામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી માટે અંજાર પોલીસને સોંપ્યા હતા.
આ કામગીરીમાં એસ.ઓ.જી પીઆઈ ડી.ડી.ઝાલા તથા પીએસઆઈ વી.પી.આહિર તથા એસ.ઓ.જી સ્ટાફ જાેડાયો હતો.
ઉલ્લેખનીય છે કે, કચ્છ હવે ખાલી ઉદ્યોગો માટે જ નહી પણ નશીલા કે કેફી પદાર્થો માટે જાણીતું બની ગયું છે. કચ્છમાંથી વારંવાર જે રીતે નશીલા પદાર્થો અને કેફી દ્રવ્યો પકડાઈ રહ્યા છે તે બાબત સામાજિક રીતે ચિંતાનો વિષય છે. આટલા બધા કેફી પદાર્થોનો ઉપયોગ થતો હોય તો જ તેનું વેચાણ થાયને. શું કચ્છ, ગુજરાત સહિત દેશના યુવાનોને કે દરેકને અથવા તો મોટા વર્ગને નશાની આટલી તલપ છે?