ગાંધીધામ ટુડે, ન્યૂઝ ઃ અંજાર તાલુકાના મેઘપર બોરીચીની સોસાયટીમાં એક ઘરમાં જઇ યુવાનને ધમકીઓ આપી તેની કાર સળગાવી નાખતાં ત્રણ શખ્સ વિરુદ્ધ ગુનો દર્જ થયો હતો.
અંજારના મેઘપર બોરીચીના મંગલેશ્વરનગરમાં રહેતા ૨૨ વર્ષિય દિપ કાન્તિલાલ હડિયાએ પોલીસને જણાવ્યું કે સોમવારે રાત્રે તે બાઈક લઈને આદિપુરમાં ભાઈબંધોને મળવા ગયો હતો. મધરાત્રે દોઢ વાગ્યે તેને મુકેશ રાણા નામના મિત્રનો ફોન આવેલો.
મુકેશે તેને કહેલું કે તે તેના ખાતામાં ઓનલાઈન બે હજાર રૂપિયા ટ્રાન્સફર કરે છે અને તે બે હજાર રોકડાં રૂપિયા આપે. બે હજાર ટ્રાન્સફર થયાં બાદ દિપ તોલાણી સર્કલ પાસે મુકેશને રોકડાં રૂપિયા આપવા ગયો ત્યારે ત્યાં મુકેશ સાથે પ્રિન્સ પપ્પુભાઈ નાથ અને દેવ વાઘવાણી નામના અન્ય બે જણાં પણ ઊભાં હતાં.
થોડીકવાર બાદ આ ત્રિપુટીએ તેના ઘેર આવી ગાળો ભાંડીને તેને મારી નાખવાની ધમકી આપી બહાર આવવા જણાવ્યું હતું. ગભરાઈ ગયેલાં દિપે દરવાજો ખોલ્યો નહોતો. ત્રિપુટીએ ઘર બહાર પાર્ક થયેલી ક્રેટા કારમાં તોડફોડ કરીને તેને આગ ચાંપી દઈને નાસી ગઈ હતી. આગમાં ક્રેટા કાર સંપૂર્ણ ખાખ થઈ ગઈ છે. પોલીસે જણાવ્યું કે મુકેશ રાણા ગાંધીધામના સુંદરપુરીનો રહેવાસી છે અને તેનો ગુનાહિત ભૂતકાળ છે. મુકેશ ફરિયાદીનો મિત્ર થાય છે પરંતુ અગાઉ બેઉ વચ્ચે ઝઘડો થઈ ચૂકેલો છે.