પૂર્વ કચ્છમાં કાળચક્ર: બે દિવસમાં માર્ગ અકસ્માતમાં 8ના મોત, તહેવારોના દિવસો બન્યા જીવલેણ

Spread the love

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : કચ્છમાં જાણે કાળચક્ર ફર્યું હોય તેમ માત્ર બે દિવસના ગાળામાં સર્જાયેલા માર્ગ અકસ્માતોની હૃદયદ્રાવક ઘટનાઓમાં કુલ 8 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. તહેવારોના આ સપરમા દિવસોમાં જ બનેલી આ ઘટનાઓએ સમગ્ર પૂર્વ કચ્છમાં શોકની લાગણી ફેલાવી દીધી છે.

ટૂંકી બેદરકારી, બેફામ ગતિ અને ટ્રાફિકના નિયમોની અવગણનાને કારણે રસ્તાઓ ખરેખર જીવલેણ બની ગયા છે. આ જીવલેણ અકસ્માતો મુખ્યત્વે ગાંધીધામ-અંજાર આસપાસના હાઇવે અને આંતરિક રસ્તાઓ પર વધુ નોંધાયા છે, જેમાં ગત બે દિવસમાં જ વધુ 8 જીવલેણ અકસ્માતોની ઘટનાઓ પોલીસ મથકે નોંધાઈ છે. આ અકસ્માતોની વિગતો જોતા માર્ગ સલામતીના નિયમોના પાલન અને સચેત ડ્રાઇવિંગની તાતી જરૂરિયાત ઉભી થાય છે.

Advertisements

નોંધાયેલા મુખ્ય અકસ્માતોની વિગતો:

1. પડાણા પાસે ટ્રકની અડફેટે પગપાળા યુવાનનું મોત

ગાંધીધામના પડાણામાં લેબર કોલોની બહારના કોટેશ્વર રોડ પર, મધ્યપ્રદેશના વતની 20 વર્ષીય કિરણ રાજુભાઈ કોલ બજારમાંથી ખરીદી કરીને પગપાળા આવી રહ્યા હતા. તે દરમિયાન કોઈ અજાણ્યા ટ્રકના પૈડા તેમના પર ફરી વળતા માથામાં ગંભીર ઈજા થતાં તેમનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. કૌટુંબિક ભાઈએ અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

2. કુતરું આડું આવતા બાઇક સ્લીપ, યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ

ગાંધીધામના શક્તિનગરમાં રહેતા 36 વર્ષીય મંગેશભાઈ રત્નાભાઈ પ્રજાપતિ સ્મશાન પુલિયા (મચ્છુનગર પુલિયા) પાસે મોટર સાઇકલ પર જઈ રહ્યા હતા. અચાનક કુતરું આડું આવતા તેમણે બ્રેક મારતા બાઈક સ્લીપ થઈ ગયું હતું, જેના કારણે તેમને હેમરેજ જેવી ગંભીર ઈજા થઈ હતી. આદિપુર, પાટણ અને અમદાવાદમાં સારવાર અને ઓપરેશન કરાવ્યા બાદ પણ માથાના દુખાવાને કારણે તેમને સરકારી હોસ્પિટલ લઈ જવાયા, જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.

3. ઉભેલા ટ્રેઇલરમાં ડમ્પર અથડાતા ચાલકનું મોત

શિણાય રહેતા ફરિયાદીની કંપનીનો 54 વર્ષીય ડમ્પર ચાલક અજયસિંહ ધનસિંહ કનેશ ગાંધીધામથી વીડી તરફ જઈ રહ્યા હતા. રાત્રે 9 વાગ્યાના અરસામાં મેઘપર કુંભારડી સીમમાં ગાંધીધામ-મુન્દ્રા હાઇવે પર રેલવે પાટાવાળા પુલ પર હાઇવે પર ઉભેલા ટેન્કરમાં ડમ્પર અથડાઈ જતાં તેમને માથા અને ડાબા પગમાં ગંભીર ઇજાઓ થતાં તેમનું મોત નિપજ્યું હતું.

4. રોડ ક્રોસ કરતા યુવાનને બસે ટક્કર મારી

આદિપુર પોલીસ મથકે નીતીશ માંઝીએ બસના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે તેમના પિતા લુખર માંઝી (મુળ બિહાર) માથક ગામ પાસે રોડ ક્રોસ કરી રહ્યા હતા. તે સમયે મોટી બસના ચાલકે બેદરકારી અને પુરઝડપે આવીને તેમને પાછળથી ટક્કર મારતા માથાના ભાગે ગંભીર ઈજા થવાથી તેમનું મોત નિપજ્યું હતું.

5. કંડલામાં ટેન્કરની ટક્કરથી બુલેટ ચાલકનું મોત

કંડલા મરીન પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ, 32 વર્ષીય ધિરેંદ્ર ઝાંગી યાદવ પોતાની બુલેટથી ગાંધીધામ-કંડલા રોડ ફ્રેંડ સોલ્ટ પાસેથી પસાર થઈ રહ્યા હતા. આરોપી ટેન્કર ચાલકે ગફલતભરી રીતે વાહન ચલાવીને બુલેટને પાછળથી ટક્કર મારી, જેના કારણે ગુપ્ત ભાગે અને જમણી બાજુ ગંભીર ઈજા પહોંચતા બુલેટ ચાલક યુવાનનું મોત નિપજ્યું હતું.

6. ઓવરટેક કરવા જતાં ટ્રકે બાઈકને અડફેટે લીધી, 1નું મોત

ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ, ગાંધીધામ-ભચાઉ હાઇવે પર આરોપી ટ્રક ચાલકે પુરઝડપે અને બેદરકારીપૂર્વક ઓવરટેક કરવા જતાં અચાનક ખાલી સાઈડમાં વાળીને મોટર સાઇકલને અડફેટમાં લીધી હતી. આ અકસ્માતમાં સાહેદ માણક ફુસારામને માથામાં ગંભીર ઈજા થતાં તેમનું મોત નિપજ્યું હતું, જ્યારે ફરિયાદીને નાની-મોટી ઈજાઓ થઈ હતી.

7. માતાના મઢે દર્શનાર્થે જતા 4 મિત્રોની બાઇકને ડમ્પરની ટક્કર, બેના મોત

કિડાણાના ચાર મિત્રો આશિષ, પપ્પુ, શ્રીકાન્ત અને વિનોદ બે બાઇક લઈને માતાના મઢ દર્શનાર્થે નીકળ્યા હતા. અંજારના જરૂ નજીક સતાપર-સાપેડા બાયપાસ રોડ પર આવેલા રેલવે બ્રિજ પાસે પાછળથી પુરપાટ આવી રહેલા ડમ્પર ચાલકે બન્ને બાઇકને અડફેટે લીધી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં વિનોદ અને પપ્પુને ગંભીર ઇજા થતાં બન્નેના મોત નિપજ્યા હતા. શ્રીકાન્ત ગંભીર ઇજાગ્રસ્ત થતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

Advertisements

તહેવારોના દિવસોમાં માર્ગ સલામતીનું મહત્વ

કુલ 18 લોકોના મોતના આ આંકડા સ્પષ્ટ સૂચવે છે કે હાઇવે પર ઝડપ, બેદરકારી અને ટ્રાફિકના નિયમોનો ભંગ જીવલેણ સાબિત થઈ રહ્યો છે. તહેવારોના સમયે લોકોની અવરજવર વધતી હોય છે, ત્યારે વાહનચાલકોએ વધુ સાવચેતી રાખવાની અને ટ્રાફિક નિયમોનું કડક પાલન કરવાની જરૂર છે. પોલીસ અને તંત્ર દ્વારા પણ હાઇવે પર સઘન પેટ્રોલિંગ અને સ્પીડ પર નિયંત્રણ માટે પગલાં લેવાય તે જરૂરી છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Submit Comment