હવે ટ્રાફિક નિયમોના ભંગ બદલ 10 ગણો વધુ દંડ ચૂકવવો પડશે

ગાંધીધામ ટુડે, ન્યૂઝ ઃ હવેથી ખરાબ અથવા બેદરકારીપૂર્વક વાહન હંકારી શકાશે નહીં. જો આમ કરતાં પકડાયા તો ભારે દંડ ચૂકવવો પડશે. કેન્દ્ર સરકારે માર્ગ અકસ્માતો અટકાવવા તેમજ વાહનચાલકો ચુસ્તપણે ટ્રાફિક નિયમોનું પાલન કરે તે હેતુ સાથે ટ્રાફિક દંડમાં મસમોટો વધારો કર્યો છે. જેમાં દારૂ પીને વાહન હંકારવા પર, ઓવરસ્પીડિંગ, સિગ્નલ તોડવો, હેલમેટ વિના ડ્રાઈવિંગ સહિતના ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન પર મોટો દંડ ઉપરાંત જેલની સજા તથા લાયસન્સ સસ્પેન્ડ થવાની જોગવાઈ ઘડવામાં આવી છે. તેમજ વારંવાર ટ્રાફિક નિયમોનો ભંગ કરવા પર દંડની રકમમાં વધારો થઈ શકે છે, અને વધુ કડક સજા કરવામાં આવશે. આ નવા નિયમો 1 માર્ચ, 2025થી લાગુ થઈ ચૂક્યા છે.

આ નિયમોના ઉલ્લંઘન પર ચૂકવવો પડશે મોટો દંડ

1. દારૂ પીને ગાડી હંકારવા પરઃ પહેલાં દારૂ પીને ગાડી હંકારવા બદલ રૂ. 1000થી રૂ. 1500 સુધીનો દંડ થતો હતો. પરંતુ નવા સુધારા મુજબ, હવે રૂ. 10,000 સુધીનો દંડ તથા છ માસની જેલની સજા થઈ શકે છે. ફરી જો આ જ ગુના હેઠળ ઝડપાયા તો દંડની રકમ વધીને રૂ. 15,000 અને બે વર્ષ સુધી જેલની સજા થઈ શકે છે.

2. હેલમેટ વિના ગાડી હંકારવા પરઃ હેલમેટ વિના ગાડી હંકારવા બદલ રૂ. 1000 સુધીનો દંડ થશે. જે અગાઉ રૂ. 100 હતો. તેમજ ત્રણ માસ માટે તમારૂ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવશે.

3. સીટ બેલ્ટ નિયમનો ભંગઃ જો ડ્રાઈવરે ગાડી ચલાવતી વખતે સીટબેલ્ટ નહીં પહેર્યું હોય તો તેની પાસેથી રૂ. 1000નો દંડ લેવામાં આવશે. જે અગાઉ રૂ. 100 હતો.

4. મોબાઈલ ફોનનો ઉપયોગઃ ગાડી ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવો ગંભીર દુર્ઘટના સર્જી શકે છે. જેથી ગાડી ચલાવતી વખતે મોબાઈલ ફોનના ઉપયોગ પર રૂ. 5000નો દંડ ચૂકવવો પડશે.

5. લાયસન્સ વિના ડ્રાઈવિંગઃ લાયન્સ વિના ડ્રાઈવિંગ કરતાં પકડાયા તો દંડની રકમ રૂ. 500થી વધારી રૂ. 5000 કરવામાં આવી છે.

6. ટુવ્હિલર્સ પર ટ્રિપલ રાઈડિંગઃ બાઈક પર ટ્રિપલ સવારી માટે દંડની જોગવાઈ રૂ. 100થી વધારીને રૂ. 1000 કરવામાં આવી છે.

7. માન્ય વીમા વિના વાહન ચલાવવુંઃ માન્ય વીમા વિના વાહન ચલાવવાનો દંડ રૂ. 200-400થી વધારી રૂ. 2000 કર્યો છે. તેમાં 3 મહિનાની જેલ અને કોમ્યુનિટી સર્વિસ આપવાની જોગવાઈ પણ સમાવિષ્ટ કરવામાં આવી શકે છે. જો વારંવાર આ ગુના હેઠળ ઝડપાયા તો દંડ બમણો થઈને રૂ. 4000 થઈ શકે છે.

8. PUC ન હોય તોઃ પહેલાં રૂ. 1000નો દંડ થતો હતો, પરંતુ હવે માન્ય પ્રદૂષણ પ્રમાણપત્ર (PUC) વિના વાહન ચલાવવા પર રૂ. 10,000નો દંડ થશે, સાથે સાથે 6 મહિનાની જેલની સજા અને કોમ્યુનિટી સર્વિસની સજા પણ થઈ શકે છે.

9. ખતરનાક ડ્રાઇવિંગ અને ઓવરસ્પીડિંગઃ બેદરકારીપૂર્વક વાહન ચલાવવા પર હવે રૂ. 5000નો દંડ થાય છે, જેના કારણે સલામતીના ધોરણોનું ઉલ્લંઘન કરવું વધુ મોંઘુ બને છે. તેવી જ રીતે, જાહેર રસ્તાઓ પર ઓવરસ્પીડિંગ કરવા પર પણ રૂ. 5,000નો દંડ થશે.

10. ઇમરજન્સી વાહનોને અવરોધવાઃ એમ્બ્યુલન્સ જેવા ઇમરજન્સી વાહનો માટે રસ્તા પર અવરોધ ઉભો કરવા પર હવે ઉલ્લંઘન કરનારાઓને રૂ. 10,000નો દંડ થશે, જે અગાઉના રૂ. 100 કરતાં ઘણો વધારો છે.

11. વાહનોનું ઓવરલોડિંગઃ ટ્રક અને કોમર્શિયલ વાહન સંચાલકોએ નોંધ લેવી પડશે કે ઓવરલોડિંગ દંડ રૂ. 2,000થી વધીને રૂ. 20,000 થયો છે.

12. ટ્રાફિક સિગ્નલ તોડવુઃ લાલ લાઇટ પર વાહન હંકારવા પર હવે રૂ. 500નો દંડ થશે.

13. સગીર ગુનો (18 વર્ષથી ઓછી ઉંમરના): સગીરો દ્વારા કરવામાં આવેલા ગુનાઓ માટે, દંડ વધુ ગંભીર બની ગયો છે. રૂ. 2500ના બદલે, હવે રૂ. 25,000નો દંડ, ત્રણ વર્ષની જેલ, એક વર્ષ માટે વાહન નોંધણી રદ કરવામાં આવશે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *