ગાંધીધામ ટુડે, ન્યૂઝ: શહેરમાં અનેક જગ્યાએ ગટર અને પાણીના વાલ્વની ખુલ્લી ચેમ્બરો નાના મોટા અકસ્માતો સર્જતી હોવાની રાવ અનેક વખત ઉઠી છે તેની વચ્ચે બસ સ્ટેશન પાછળ આઇઓડબલ્યુ ઓફિસ સામે રેલવે યાર્ડ તરફ જતા રસ્તા પર પાણીના વાલ્વની 6 ફૂટ ઉંડી ચેમ્બરમાં પડી જતાં ખુદ રેલવેના પાઇપમેનનું ગંભીર ઇજા પહોંચતા મોત નિપજ્યુ઼ હોવાની કરુણ ઘટના બની છે.

ગાંધીધામ રેલવે પોલીસ મથકેથી પ્રાપ્ત થયેલી વિગતો મુજબ,શનિવારે સવારે રેલવે વિભાગમાં પાઇપમેન તરીકે ફરજ બજાવતા 50 વર્ષીય નેમસિંગ સુરજસિંગ જાટવ પોતાની ફરજ પર તૈનાત હતા ત્યારે કોઇપણ કારણોસર તેઓ બસ સ્ટેશન પાછળના વિસ્તારમાં આઇઓડબલ્યુ ઓફિસ સામે રેલવે યાર્ડ તરફ જતા રસ્તા પર આવેલી પાણીના વાલ્વની છ ફૂટ ઉંડી ખુલ્લી ચેમ્બરમાં પડી ગયા હતા અને તેમને માથામાં ગંભીર ઇજા પહોંચતા તેમનું મોત નિપજ્યું હતું. ઘટના સવારે 10 વાગ્યા પહેલા કોઇપણ સમયે બની હોવાનું અને મૃૃતદેહ જામનગર મોકલાયો હોવાનું રેલવે પોલીસે જણાવ્યું હતું.

રેલવેમાં પાણી પહોંચતું કરવા માટેના પાણીના આ વાલ્વની ચેમ્બર ખુલ્લી હોવાને કારણે આ કર્મચારીએ જીવ ગુમાવ્યો છે, ત્યારે આ આધેડ કર્મચારીના મોત માટે જવાબદારી કોની ? જેવા સવાલો ઉઠી રહ્યા છે. હાલ આ ઘટનાથી મૃતકના પરિવારમાં શોક ફેલાયો છે.
ગાંધીધામ શહેરના વિસ્તારોમાં ગટર અને પાણીની ચેમ્બરો ખુલ્લી હોવાને કારણે નાના મોટા અકસ્માતો સર્જાતા હોવાની રાવ અનેક વખત ઉઠી છે. હવે એક જીવ ગયો છે ત્યારે ખુલ્લી ચેમ્બરો બંધ કરવા તંત્ર જાગશે ? તેવા સવાલો ઉઠી રહ્યા છે.