ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામના કિડાણા ખાતે આવેલી સોસાયટીમાં રહેતા શ્રમજીવી પરિવારનો દિકરો શેરીમાં રમતો હતો ત્યારે છોટા હાથી રીવર્સમાં આવતા ચગદાઈ જવાના કારણે બાળકનું મોત થતા અરેરાટી ફેલાઈ જવા પામી હતી.
ગાંધીધામ બી ડિવીઝન પોલીસ મથકે લલીતાદેવી ભીમારામ બાલોટીયા (રેગર) એ છોટા હાથીના વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે ગત 2/4ના સાંજના સમયે તેવો પોતાના ઘર પાસે શાકભાજી લઈ રહ્યા હતા ત્યારે તેમને સોસાયટીમાં રહેતા પડોસીએ જાણકારી આપી કે સોસાયટીમાં પાણી આપવા આવેલા છોટા હાથીના ચાલકે અચાનક રીવર્સમાં વાહન લેતા ફરિયાદીના ૧૨ વર્ષીય પુત્ર લકી પર વાહન ચડી ગયું છે, જેથી માતા દોડતી ઘટના સ્થળે પહોંચી ત્યારે રોડ લકી પડેલો હતો અને તેના મોઢામાંથી લોહી નિકળતું હતું.
જેથી સ્થાનિકોના સહયોગથી માતાએ તાત્કાલિક બાળકને લઈને રામબાગ હોસ્પિટલ પહોંચ્યા તો હાજર ડૉક્ટરે તપાસ કરીને મોઢાના અને શરીરના અન્ય ભાગે ગંભીર ઈજાઓ થતા તેમનું મૃત્યુ નિપજ્યાનું જણાવ્યું હતું. ફરિયાદીના પતિનું ત્રણ વર્ષ પહેલા અવસાન થયું છે ત્યારે તેમને મોટી બે પુત્રી અને નાનો એક પુત્ર છે, જેનું શેરીમાં રમતા સમયે છોટાહાથી ફરી વળતા આવો ગમખ્વાર અકસ્માત થતા, છુટક મજુરી કરીને ઘર ચલાવતી મહિલા અને પરિવાર પર જાણે આભ ફાટ્યો હતો. પોલીસે છોટાહાથી ચાલક સામે ગુનો લઈને તપાસ હાથ ધરી છે.