ગાંધીધામ ટુડે, ન્યૂઝ : આદિ કૈલાશની પવિત્ર યાત્રાએ ગયેલા ગાંધીધામના એક મહિલા શ્રદ્ધાળુનું ગૌરીકુંડ પરત ફરતી વખતે દુઃખદ અવસાન થયું છે. 60 વર્ષીય દેવયાની સાવલા જ્યારે શિવ મંદિર અને આદિ કૈલાશના દર્શન કરીને ખચ્ચર પર સવાર થઈને ગૌરીકુંડ તરફ જઈ રહ્યા હતા, ત્યારે અચાનક તેમના પર એક મોટો પથ્થર (બોલ્ડર) પડ્યો હતો. આ દુર્ઘટનામાં તેમનું ઘટનાસ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું.
દેવયાનીબેનના અકાળે થયેલા નિધનથી તેમના પરિવારમાં ભારે શોકનું મોજુ ફરી વળ્યું છે. તેમના નજીકના લોકો અને સ્વજનો આ સમાચાર સાંભળીને સ્તબ્ધ થઈ ગયા છે. આ ઘટનાએ આદિ કૈલાશની યાત્રાએ ગયેલા અન્ય પર્યટકોમાં પણ દહેશતનો માહોલ ઊભો કર્યો છે. પહાડી વિસ્તારમાં અચાનક પથ્થર પડવાની ઘટનાથી યાત્રાળુઓની સુરક્ષા અંગે ચિંતા વધી ગઈ છે.

મૃતદેહને દુર્ગમ વિસ્તારમાંથી નીચે લાવવા માટે આર્મીની મદદ લેવામાં આવી હતી. આર્મીના જવાનોએ ભારે જહેમત ઉઠાવીને મૃતદેહને બેશકેમ્પ સુધી પહોંચાડ્યો હતો. આ ઘટનાએ ફરી એકવાર પહાડી વિસ્તારોમાં યાત્રાળુઓની સલામતીના મુદ્દાને ચર્ચામાં લાવી દીધો છે. પરિવારજનો તેમના સ્વજનને ગુમાવ્યાના દુઃખમાં ગરકાવ છે, જ્યારે અન્ય યાત્રાળુઓ ભયના ઓથાર હેઠળ યાત્રા કરી રહ્યા છે.