ગાંધીધામ ટુડે, ન્યૂઝ : કચ્છના વાગડ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યા બાદ અનેક ડેમ અને તળાવો છલકાઈ ગયા છે. આ જ રીતે, ઓવરફ્લો થયેલો મેવાસા ડેમ જોવા ગયેલા એક યુવાનનું પાણીમાં તણાઈ જવાથી કરુણ મોત થયું છે.
મળતી માહિતી મુજબ, મૃતક યુવાનનું નામ દિનેશભાઈ ગોવિંદભાઈ પઢારિયા છે અને તે કિડિયાનગરનો રહેવાસી હતો. ગઈકાલે, એટલે કે 9મી સપ્ટેમ્બરે, તે મેવાસા ડેમ જોવા ગયો હતો. આ દરમિયાન, પગ લપસી જતાં તે ધસમસતા પાણીમાં ગરક થઈ ગયો હતો.
ઘટનાની જાણ થતા જ રાપરના મામલતદાર અને વહીવટી તંત્રએ તરવૈયાઓની મદદથી યુવાનની શોધખોળ શરૂ કરી હતી. કલાકોની મહેનત બાદ મોડી સાંજે તેનો મૃતદેહ મળી આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, અતિભારે વરસાદની આગાહીને કારણે જિલ્લા સમાહર્તા દ્વારા જોખમી જળાશયોની આસપાસ ન જવાની સૂચનાઓ બહાર પાડવામાં આવી હતી. આ સૂચનાનું પાલન ન થવાને કારણે આ દુર્ઘટના બની છે, અને વાગડમાં નવા પાણીએ આ પહેલો ભોગ લીધો છે.