ડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરીમાં ભીષણ આગ, 18નાં મોત

ડીસામાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ આગ ડીસામાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ આગ
Spread the love

ગાંધીધામ ટુડે, ન્યૂઝ ઃ ડીસામાં ઢુંવા રોડ પર આવેલી ગેરકાયદે ફટાકડાની ફેક્ટરી અને ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળતાં 18 મજૂરનાં મોત થયાં છે. મૃતકોમાં ચારથી પાંચ કિશોરનો પણ સમાવેશ થાય છે. આ ઘટનાની જાણ થતાં જ ડીસા નગરપાલિકાના ફાયર ફાઈટરો અને 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં. હાલ SDRFની ટીમે પણ ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યૂની કામગીરી હાથ ધરી છે. FSLની ટીમ દ્વારા પણ વિસ્ફોટ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. ઘટનાને પગલે ફેક્ટરી માલિક ફરાર થઇ ગયો છે અને મજૂરોની ઓળખ કરવાની કામગીરી શરુ કરવામાં આવી છે.

ફેક્ટરીમાં બ્લાસ્ટ અને આગની ઘટનામાં તમામ મૃતકો મધ્યપ્રદેશના રહેવાસી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ મજૂરો બે દિવસ પહેલા જ અહીં મજૂરી કામ માટે આવ્યા હતા અને ફટાકડા બનાવવાનું કામ કરતા હતા. આ દરમિયાન બ્લાસ્ટ થતાં તેઓના મોત નિપજ્યા છે. હાલ મૃતકોની ઓળખ માટે કાર્યવાહી શરુ કરવામાં આવી છે.

Advertisements

પ્રાથમિક માહિતી મુજબ, ફટાકડા બનાવવાના દારૂગોળામાં પ્રચંડ વિસ્ફોટ થતાં આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે, બાજુમાં આવેલું ગોડાઉન ધરાશાયી થતાં 200 મીટર દૂર સુધી કાટમાળ ફેલાયો હતો. જ્યારે મજૂરોનાં માનવઅંગો પણ દૂર-દૂર સુધી ફેંકાયાં હતા.

મળતી માહિતી મુજબ, દીપક ટેડર્સ નામની ફેક્ટરીમાં ફટાકડા બનાવવામાં આવી રહ્યા હતા. આ કંપની ખૂબચંદ સિંધી નામના વ્યક્તિની છે. આ ફટાકડાની એજન્સીમાં તેઓ વિસ્ફોટક પદાર્થ લાવીને ફટાકડા બનાવતા હતા. જો કે, માલિકે માત્ર ફટાકડા વેચાણ માટેની જ પરમિશન લીધેલી છે, ફટાકડા બનાવવા માટેની નહિ. જેથી સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા આ અંગે વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.

ખૂબચંદ સિંધી ફટાકડાનો હોલસેલનો વેપારી છે. તે તમિલાનાડુમાં શિવાકાશીની ફેક્ટરીઓમાં પોતાના માટે કાર્ગોકિંગ, દિપક, આંધીતૂફાન, ડિજીટલ સ્કાય, ડાયમંડ સહિત વિવિધ બ્રાન્ડથી જુદાજુદા ફટાકડા બનાવડાવતા હતા. પરંતુ હવે તેણે ડીસામાં જ ફટાકડા બનાવવાની શરુઆત કરી હતી.

મજૂરો ફટાકડા બનાવી રહ્યા હતા ત્યારે, અચાનક વિસ્ફોટ થતાં મજૂરોનાં માનવઅંગો પણ દૂર દૂર સુધી ફેંકાયાં હતાં. બાજુના ખેતરમાંથી પણ માંસના લોચા મળી આવ્યા હતા. ઘટનાસ્થળે ભારે અફરાતફરી મચી ગઈ હતી. ફાયર વિભાગના કર્મચારીઓ ભારે જહેમત બાદ આગને કાબૂમાં લઇ લીધી છે. જો કે, આગની ભયાનકતાના કારણે હજુ પણ મોતનો આંકડો વધવાની શક્યતા છે.

આ ઘટનામાં કેટલા મજૂરો હાજર હતા અને કેટલા મજૂરો સુરક્ષિત છે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી. પરંતુ, 18 મજૂરની લાશ બહાર કાઢવામાં આવી છે. જ્યારે પાંચ જેટલા ઘાયલ મજૂરને ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયા છે. ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી, ડીસા નાયબ કલેક્ટર નેહા પંચાલ, ડીસા ડી.વાય.એસ.પી સી.એલ. સોલંકી, મામલતદાર વિપુલ બારોટ સહિત તંત્રના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

Advertisements

બનાસકાંઠાના કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે, આજે સવારે ડીસા ખાતે ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં એક ફટાકડા બનાવવાની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ થવાના સમાચાર મળ્યા હતા. આ બ્લાસ્ટના કારણે ફેક્ટરીનો સ્લેબ ધરાશાયી થયો હતો. ફેક્ટરીમાં કામ કરતાં મજૂરોના પરિવારો પણ અહીં રહે છે. હાલ ડીસા નગરપાલિકાની ફાયર ફાઇટરની ટીમે આગ પર કાબૂ મેળવી લીધો છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Submit Comment