ગાંધીધામ ટુડે, ન્યૂઝ : માથક નજીક આવેલી ઇન્ડસ્ટ્રીઝ બેગ પેકિંગ નામની કંપનીની કોલોનીમાં એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં પારિવારિક ઝઘડાનો ભોગ એક છ વર્ષનો નિર્દોષ બાળક બન્યો છે. સાવકા પિતાએ જ પોતાના પુત્રને તળાવમાં ધક્કો મારી મોતને ઘાટ ઉતાર્યો હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, કોલોનીમાં રહેતા ખેતસિંગ દેવીસિંહ અહીરવાલ અને તેમની પત્ની વચ્ચે અગાઉ કોઈ કારણસર બોલાચાલી થઈ હતી. ગઇકાલે સવારે તેમની પત્ની રાબેતા મુજબ કામે નીકળી ગઈ હતી. સાંજે પરત ફર્યા બાદ તેમને છ વર્ષનો પુત્ર રાહુલ દયારામ કુશવા ક્યાંય જોવા ન મળતા તેમણે આજુબાજુમાં તપાસ કરી હતી, પરંતુ રાહુલનો કોઈ પત્તો ન લાગતા આદિપુર પોલીસને જાણ કરવામાં આવી હતી.
પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સની મદદથી તપાસ કરતા ચોંકાવનારી વિગત સામે આવી હતી. જાણવા મળ્યું કે રાહુલ છેલ્લે તેના પિતા ખેતસિંગ સાથે તળાવના કિનારે જોવા મળ્યો હતો. વધુ તપાસ કરતા ખુલાસો થયો કે ખેતસિંગે જ રાહુલને તળાવમાં ધક્કો મારી દીધો હતો. પોલીસે તળાવમાં શોધખોળ કરતા માસૂમ રાહુલનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આરોપી ખેતસિંગ દેવીસિંહ અહીરવાલ પોલીસના હાથવેંતમાં છે અને ટૂંક સમયમાં તેની ધરપકડ કરવામાં આવશે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોક અને આઘાતની લાગણી પ્રસરાવી દીધી છે. પારિવારિક કંકાસનો આટલો કરુણ અંજામ જોઈને સૌ કોઈ સ્તબ્ધ છે.