ગાંધીધામ ટુડે, ન્યૂઝ : મોરબી નજીક માળિયા-સૂરજબારી પુલ પર મોડી રાત્રે એક ભયાનક ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક કન્ટેનર, એક ટેન્કર અને એક અર્ટિગા કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ ઘટના બાદ વાહનોમાં આગ લાગી, જેમાં બે વિદ્યાર્થીઓ સહિત કુલ ચાર લોકોનાં કરુણ મોત થયા છે. અન્ય સાત લોકોને નાની-મોટી ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
કેવી રીતે સર્જાયો અકસ્માત?
ગઈકાલે રાત્રે આશરે 11 વાગ્યાના સુમારે મોરબી-કચ્છ હાઇવે પર માળીયા મીયાણા તાલુકાના હરિપર ગામ પાસે સૂરજબારી પુલ નજીક આ અકસ્માત થયો હતો. સૌપ્રથમ એક કન્ટેનર પલટી મારી ગયું. ત્યારબાદ તેની પાછળ આવી રહેલું ટેન્કર કન્ટેનર સાથે અથડાયું હતું. આ દરમિયાન પાછળથી આવી રહેલી અર્ટિગા કાર પણ ટેન્કર સાથે અથડાઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે વાહનોમાં આગ લાગી ગઈ હતી.

ચાર લોકોના મોત, બે વિદ્યાર્થીઓ ગાંધીધામના રહેવાસી
આગમાં અર્ટિગા કારમાં સવાર બે વિદ્યાર્થીઓ અને ટેન્કરના ડ્રાઈવર તથા ક્લીનર સહિત કુલ ચાર વ્યક્તિઓ જીવતા ભૂંજાયા હતા. મૃતકોની ઓળખ થઈ છે:
- રુદ્ર ગોપાલભાઈ ગુજરિયા (ઉંમર 15), રહે. મીઠી રોહર, ગાંધીધામ, કચ્છ.
- જૈમીન જગદીશભાઈ બાબરિયા (ઉંમર 17), રહે. મીઠી રોહર, ગાંધીધામ, કચ્છ.
- શિવરામ મંગલરામ નાઈ, રહે. બિકાનેર, રાજસ્થાન (ટ્રક ડ્રાઈવર).
- એક મૃતકની ઓળખ હજી બાકી છે.
મૃતક વિદ્યાર્થીઓ રુદ્ર અને જૈમીન જૂનાગઢની આહીર બોર્ડિંગમાં અભ્યાસ કરતા હતા અને સાતમ-આઠમના તહેવારને કારણે પોતાના વતન ગાંધીધામ જઈ રહ્યા હતા. આ દુઃખદ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
પોલીસ કાર્યવાહી
અકસ્માતની જાણ થતાં માળીયા તાલુકા પોલીસ અને મોરબી જિલ્લા એસપી સહિતનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. તેમણે ઘાયલ થયેલા સાત લોકોને સારવાર માટે સામખયારીની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. પોલીસ દ્વારા હાલમાં અકસ્માતગ્રસ્ત વાહનોને હટાવીને હાઈવેને ક્લિયર કરવાની કામગીરી ચાલી રહી છે. તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે. પોલીસ અન્ય મૃતકોની ઓળખ માટે વધુ તપાસ કરી રહી છે.