ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામમાં એક યુવતી સાથે બગીચામાં દુષ્કર્મ આચરવાના ગુનામાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ યુવતીને ડરાવી-ધમકાવીને તેનો વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને આ કૃત્ય કર્યું હતું. આ મામલે ફરિયાદ દાખલ થયાના ગણતરીના કલાકોમાં જ પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે.
પીડિતાની માતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત 23મી ઓગસ્ટે મોડી સાંજે આરોપી મોહમ્મદ સમી ઉર્ફે અબ્દુલ કાસમ લુહારે તેમની પુત્રીને ડરાવી-ધમકાવીને તેનો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. આ ધમકી આપીને તે યુવતીને વારંવાર તેની મરજી વિરુદ્ધ બગીચામાં લઈ જઈ શારીરિક સંબંધ બાંધતો હતો. આ કૃત્યમાં તેના ભાઈ મોહમ્મદ કબીર કાસમ લુહારે પણ તેને મદદ કરી હતી.
પોલીસે ફરિયાદના આધારે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીઓ મોહમ્મદ સમી ઉર્ફે અબ્દુલ કાસમ લુહાર (ઉંમર 21) અને મોહમ્મદ કબીર કાસમ લુહાર (ઉંમર 19) (બંને રહે. ભરવાડ વાસ, નવી સુંદરપુરી) ને ઝડપી પાડ્યા છે. આ સફળ કામગીરી પીઆઈ એમ.ડી. ચૌધરી અને સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.
આદિપુરમાં પોક્સોના ગુનાનો આરોપી ગણતરીના કલાકોમાં ઝડપાયો
આદિપુર: આદિપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દુષ્કર્મ અને પોક્સો એક્ટના ગુનાના આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો છે.

આદિપુર પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, મૂળ બિહારનો અને હાલમાં અંતરજાળના શ્યામ સુદામા હોટલ પાસે રહેતો મોહમ્મદ સિતારે મોહમ્મદ હબીબુલ્લા શેખ નામના આરોપી સામે દુષ્કર્મનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
આરોપી સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૩૭(૨), ૮૭, ૬૪(૨)(એ) અને પોક્સો એક્ટની કલમ ૧૮, ૬ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ગુનાના આરોપીને શોધવા માટે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસને મળેલી બાતમીના આધારે, આરોપી અને ભોગ બનનારને પકડી પાડવામાં આવ્યા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરીમાં આદિપુરના પી.આઈ. એમ.સી. વાળા, આર.સી. રામાનુજ અને સ્ટાફના કર્મચારીઓ જોડાયા હતા.