ગાંધીધામ ટુડે, ન્યૂઝ ઃ પૂર્વ કચ્છ એસઓજીએ ગાંધીધામમાં કુરિયર મારફતે ગાંજાની હેરાફેરી કરતા બે શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસને મળેલી બાતમીના આધારે ગાંધીધામના બિઝનેસ આર્કેડ સુભાષનગર વિસ્તારમાં આવેલી એક્સપ્રેસ કુરિયર ઓફિસ પર વૉચ ગોઠવવામાં આવી હતી.
પોલીસે ઓડિશાથી આવેલા પાર્સલમાંથી 1.21 લાખની કિંમતનો 12 કિલોથી વધુ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે. આ કેસમાં રાજીવ વિન્દેશ્વર રાય (ઉંમર 41, મૂળ બિહાર) અને સુભાષ દાહોર જાદવ (રહે. શાંતિધામ હરિઓમ નગર, ગાંધીધામ)ની ધરપકડ કરવામાં આવી છે. બંને આરોપીઓને કુરિયર ઓફિસમાંથી પાર્સલ લઈને નીકળતા જ ઝડપી પાડવામાં આવ્યા હતા.

તપાસમાં ઓડિશાના અજય શાવ અને ગાંજાની ડિલિવરી લેનાર એક અન્ય વ્યક્તિના નામ સામે આવ્યા છે, જેમની ધરપકડ માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ આ નેટવર્કની વધુ તપાસ કરી રહી છે, જેમાં કેટલા સમયથી આ રીતે ગાંજાની હેરાફેરી થતી હતી અને ગાંધીધામમાં ક્યાં-ક્યાં સપ્લાય થતો હતો તેની માહિતી મેળવવામાં આવી રહી છે.
નોંધનીય છે કે કચ્છમાં અગાઉ પણ કુરિયર દ્વારા માદક પદાર્થો ધુસાડવાના કિસ્સાઓ સામે આવ્યા છે, પરંતુ આટલી મોટી માત્રામાં ગાંજાનો જથ્થો મળ્યો હોય તેવો આ પ્રથમ કિસ્સો છે. ‘નો ડ્રગ્સ ઈન ઈસ્ટ કચ્છ’ કેમ્પેઈન અંતર્ગત પૂર્વ કચ્છની સ્થાનિક પોલીસ અને સ્પેશિયલ બ્રાન્ચ માદક પદાર્થોની હેરાફેરી રોકવા માટે સક્રિય છે.