ગાંધીધામ ટુડે, ન્યૂઝ : અંજારમાં ‘એક કા ડબલ’ કરવાની લાલચ આપીને બોટાદના એક યુવાન પાસેથી ₹2.50 લાખ પડાવી લેવાના કેસમાં પોલીસે ચીટર ગેંગના બે શખ્સોને ઝડપી પાડ્યા છે. આ આરોપીઓને સાથે રાખી પોલીસે સમગ્ર ગુનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું.
ઘટનાની વિગત: બોટાદના અશ્વિન રાજુ બાવળિયાએ સોશિયલ મીડિયા પર આરોપીઓનો સંપર્ક કર્યો હતો. આરોપીઓએ અશ્વિનભાઈને નોટના બંડલ બતાવીને વિશ્વાસમાં લીધા અને ‘એક કા ડબલ’ કરી આપવાની લાલચ આપી. આ માટે તેમને પહેલા અંજાર બોલાવી સાચી નોટો બતાવી હતી. ત્યારબાદ, ફરીથી ડીલ કરવા માટે તેમને અંજાર બોલાવવામાં આવ્યા, જ્યાં જયેશ અને સાગર નામના શખ્સોએ વાયદાઓ કર્યા અને બાદમાં બે શખ્સોએ બળજબરીપૂર્વક અશ્વિનભાઈ પાસેથી ₹2.50 લાખ લઈ લીધા અને તેમને ધમકીઓ આપી.

આરોપીઓની ધરપકડ: આ ઘટના અંગે ફરિયાદ નોંધાતા અંજાર પોલીસે તપાસ શરૂ કરી હતી. પોલીસે જયેશનું ખોટું નામ ધારણ કરનાર અંજારના રમજાન સાલેમામદ કકલ અને કનૈયાબેના શબ્બીર હુસેન શાહીબશા શેખને ઝડપી પાડ્યા હતા. તેમની પૂછપરછમાં એ વાત બહાર આવી કે સાગર નામ ધારણ કરનાર મુખ્ય આરોપી શબ્બીર ઉર્ફે પીચુ સુલ્તાનશા શેખ હજુ ફરાર છે. પોલીસે પકડાયેલા શખ્સો પાસેથી ૫૦૦ના દરની ચલણી નોટના આકારના કોરા કાગળના ૧૦ બંડલ અને ૫૦૦ના દરની બે સાચી નોટો જપ્ત કરી છે.

ગુનાહિત ઇતિહાસ: આરોપી રમજાન કકલ સામે અગાઉ પણ છેતરપિંડી, વિશ્વાસઘાત અને ઠગાઈની કલમો હેઠળ મુંદરા, ભુજ બી-ડિવિઝન અને કંડલામાં ત્રણ ગુના નોંધાયેલા છે. પોલીસે પકડાયેલા શખ્સોને શહેરમાં ફેરવીને ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. પી.આઈ. એ.આર. ગોહિલ અને તેમની ટીમ ફરાર આરોપી પીચુને પકડવા માટે વધુ કાર્યવાહી કરી રહી છે.