ગાંધીધામ ટુડે, ન્યૂઝ : મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા (સરહદી રેન્જ ભુજ) અને પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક સાગર બાગમાર દ્વારા મિલ્કત અને વાહનચોરી જેવા વણશોધાયેલા ગુનાઓ સામે કાર્યવાહી કરવા તથા ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા શખ્સો પર નજર રાખવા સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી.
આ સૂચનાઓના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી (અંજાર વિભાગ)ના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી. ગોજીયાએ સર્વેલન્સ સ્ટાફને વાહનચોરીના ગુનાઓ ડિટેક્ટ કરવા સુચના આપી હતી.
તે અંતર્ગત, મળેલી બાતમીના આધારે કંડલા સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (SEZ)ના પાછળના ભાગે આવેલા બાવળની ઝાડીઓમાંથી બે શખ્સો – ઈમ્તિયાઝ હનીફ ચાવડા (રહે. કિડાણા) અને ક્રિપાલસિંહ નારણસિંહ જાડેજા –ને નંબર પ્લેટ વિહિન મોટરસાયકલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા.
પોલીસ તપાસ દરમિયાન શખ્સોએ કબૂલાત આપી કે બંને મોટરસાયકલો છેલ્લાં ત્રણ મહિનામાં આદિપુર મુન્દ્રા સર્કલ પાસેની એક સોસાયટી તથા ગાંધીધામ લીલાશાહ સર્કલથી ચોરી કરવામાં આવી હતી. નોંધનીય છે કે આ કેસ અંગે આદિપુર પોલીસ સ્ટેશનમાં પહેલેથી ગુનો નોંધાયેલ છે.
બન્ને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને વધુ તપાસ માટે મામલો આદિપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.