ગાંધીધામ ટુડે, ન્યૂઝ : કિડાણા ખાતે પાળેલા કબુતર મુદ્દે બે યુવાનો ઉપર સ્ટિલના પાઇપ અને ધોકા વડે ચાર જણાએ હુમલો કર્યો હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે.
કિડાણા જગદંબા સોસાયટીમાં રહેતા સોમચંદ રામજીભાઇ રોશિયાએ બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમના મિત્ર ચેતનભાઇ ભલાભાઇ ફફલે તેનું પાળેલું કબૂતર તેમની પાસે આવેલું તે માગતાં તેમણે આ કબૂતર કિડાણાના જુબેર પઠાણને રૂ.૧ હજારમાં વેંચી નાખ્યું હોવાનું જણાવતાં ચેતને કબૂતર કેમ વેંચી નાખ્યું કહેતાં તેમણે જુબેરને કબૂતર પાછું આપવાનું કહેતાં કિડાણા મેડીકલ સ્ટોરની બહાર અસગર ઇસ્માઇલ ચાવડા, ગની ઉર્ફે ગનીડો ચાવડા, ઇસ્માઇલ ઉર્ફે ઇસુડો અને જુબેર પઠાણ તેમના મિત્ર ચેતનને માર મારી રહ્યા હતા ત્યારે તેઓ વચ્ચે આવતાં ચારે જણાએ તેમને જાતિ અપમાનિત કરી કુહાડી અને સ્ટીલના પાઇપની માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું.
આદિપુરમાં પૈસાની લેતીદેતી મુદ્દે વૃધ્ધને માર મરાયો
ગાંધીધામ ટુડે, ન્યૂઝ : આદિપુર નજીક લીલાશાહ કુટીયા ફાટક પાસે પૈસાની લેતી દેતી મુદ્દે વૃધ્ધને લોખંડના પાઇપથી માર મરાયો હોવાની ફરીયાદ નોંધાઈ હતી. મેઘપર બોરીચી રહેતા ૬૧ વર્ષીય અશોકભાઇ ખુશાલભાઇ પઢિયારે આદિપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે કે, તેમણે અંતરજાળના વિક્રમસિંહ બાલુભા ઝાલા પાસેથી રૂ.૨.૫૦ લાખ ઉછીના લીધા હતા, આ પૈકી રૂ.દોઢ લાખ પરત પણ આપી દીધા હતા તેમ છતાં વિક્રમસિંહ વધુ રૂપિયાની ઉઘરાણી કરતો હતો. શનિવારે ઉઘરાણી કરવા આવેલા વિક્રમસિંહે લોખંડના પાઇથી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું.