ગાંધીધામ ટુડે, ન્યૂઝ : રાજ્યભરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી વચ્ચે કચ્છના દરિયાકાંઠેથી એક અનોખી ઘટના સામે આવી છે, જ્યાં વરસાદી માહોલ દરમ્યાન 10 જેટલા ખારાઈ ઊંટો દરિયામાં તણાઈ ગયા અને આશ્ચર્યજનક રીતે તરતા-તરતા દ્વારકા સુધી પહોંચ્યા!
ઘટનાનું સ્થાન અને પરિસ્થિતિ:
જામનગર જિલ્લાના ખંભાળીયા તાલુકાના સીંગચ ગામના માલધારીઓ પોતાના ખારાઈ ઊંટોને ચેરીના વનસ્પતિ ખવડાવવા માટે કંડલા નજીક દરિયાકાંઠે લઈ ગયા હતા. ત્યારે અચાનક વરસાદી પાણીના વધારા સાથે 10 ઊંટ દિનદયાળ પોર્ટથી દરિયામાં તણાઈ ગયા હતા.

આટલું દૂર તરી ગયા:
આ ઊંટો અસાધારણ રીતે દરિયામાં લાંબુ અંતર પાર કરીને દ્વારકાના વાડીનાર પોર્ટ પર સલામત રીતે પહોંચી ગયા. જ્યાં સ્થાનિક પોલીસ અને તંત્રે ઉંટોને રેસ્ક્યૂ કરીને તેમની સલામતી સુનિશ્ચિત કરી અને માલિકને સોંપવાની કાર્યવાહી હાથ ધરી.

ખારાઈ ઊંટ – વિશેષતા અને રાષ્ટ્રીય માન્યતા:
- ખારાઈ ઊંટ એશિયાની એકમાત્ર ઊંટપ્રજાતિ છે જે દરિયામાં તરવા માટે કુદરતી રીતે સક્ષમ છે.
- મુખ્યત્વે ચેર, લાણો, ખારીજાર જેવી ક્ષારવાળી વનસ્પતિનું આહાર.
- કચ્છના ભચાઉ, વોન્ધ, જંગી, આંબલીયારા વિસ્તારોમાં જોવા મળતી પ્રજાતિ.
- ભારત સરકારે 2016માં રાષ્ટ્રીય પ્રજાતિ તરીકે માન્યતા આપી છે.
માલધારી સંગઠનના સંયોજક ભીખાભાઈ રબારીએ જણાવ્યું:
“દ્વારકા સુધી ઊંટો તરી જાય એ અસામાન્ય ઘટના છે. સામાન્ય રીતે ઊંટ દરિયાઈ ખાડી અને છીછરાં પાણીમાં તરતા હોય છે, પરંતુ આટલું લાંબું અંતર પાર કરવું અત્યંત દુર્લભ છે.”