ગાંધીધામ ટુડે, ન્યૂઝ : પૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રબર પાઉડરની આડમાં ચાલતી દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિનો પર્દાફાશ કર્યો છે. પોલીસે રૂ. 18,08,640/- ની કિંમતનો પ્રોહિબિશનનો જથ્થો જપ્ત કર્યો છે.
પોલીસ ઇન્સ્પેક્ટર એન.એન. ચુડાસમાના નેતૃત્વ હેઠળની ટીમે બાતમીના આધારે ઓપરેશન હાથ ધર્યું હતું. વિદેશી દારૂનો જથ્થો એક આઇસર ટ્રકમાં લાવવામાં આવ્યો હતો, અને તેને વર્ષામેડી ગામના તળાવ પાસે ઉતારવામાં આવી રહ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી દારૂનો જથ્થો ભરીને લાવનાર આરોપી તિલોકચંદ પ્રેમારામ ભાંબુ (જાટ) (રહે. રાજસ્થાન) અને દારૂનો જથ્થો ઉતારવામાં મદદ કરનાર ઉત્કર્ષ દિપકભાઈ પાંડે (જાટ) (રહે. સામખિયારી, ભચાઉ) ની ધરપકડ કરી છે. જો કે, આ કેસમાં સંડોવાયેલા અન્ય ચાર આરોપીઓ ફરાર થવામાં સફળ રહ્યા હતા. ફરાર આરોપીઓમાં કાના વેલાભાઈ બઢીયા (મુખ્ય બુટલેગર, રહે. વર્ષામેડી, અંજાર), મુકેશ બાકુરામ બિશ્નોઈ (દારૂનો જથ્થો લાવનાર, રહે. જોધપુર, રાજસ્થાન), મુતુ (દારૂ ઉતારવામાં મદદ કરનાર, રહે. વર્ષામેડી, અંજાર) અને સિનિલ બિશ્નોઈ (દારૂનો જથ્થો મોકલનાર, રહે. જોધપુર, રાજસ્થાન) નો સમાવેશ થાય છે.
પોલીસે ઘટનાસ્થળેથી દારૂ, ટ્રક, મોટરસાયકલ, રબર પાઉડર અને મોબાઈલ ફોન મળી કુલ રૂ. 71,84,740/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ આ કેસમાં વધુ તપાસ ચલાવી રહી છે અને ફરાર આરોપીઓને પકડવા માટે કાર્યવાહી હાથ ધરી છે.